Ahmedabad Narendra Modi Stadium : આજે વર્લ્ડ કપ 2023ની ફાઈનલનો મહામુકાબલો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે મેચ શરૂ થશે. જેના માટે સવારે 10 વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ કરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોમાંચક જંગ જામશે. વિશ્વની અનેક મહાન હસ્તીઓ મેચની સાક્ષાત નિહાળશે. ત્યારે ગુજરાત ફરી એકવાર ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આજનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. અમદાવાદ ઐતિહાસિક મહામુકાબલાનું સાક્ષી બનશે. વિશ્વ કપ પર કબજો કરવા દેશભરમાં પૂજા-પાઠનો દૌર શરૂ કરાયો છે. દેશભરના ધાર્મિક સ્થળો પર ક્રિકેટ પ્રેમીઓ પ્રાર્થના અને દૂઆ કરી રહ્યાં છે. વર્લ્ડ કપની ફાઈનલ જોવા ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી રિચાર્ડ માર્લ્સ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને અમિતાભ બચ્ચન સહિતની હસ્તીઓ અમદાવાદ આવશે. તો વર્લ્ડ કપની ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે આવશે. મેચ નિહાળ્યા બાદ તેઓ રાત્રે ગાંધીનગરમાં રોકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ કોણ મહેમાન બનશે 
વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઓસ્ટ્રેલિયાનાં ડેપ્યુટી વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલિગેશન, સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ અને ફોર્મર જસ્ટિસ, સિંગાપોર, યુએસના એમ્બેસેડર સહિત અનેક મહાન હસ્તીઓ હાજર રહેશે. 


જીત માટે ભારતનું પલડું ભારે 
વર્લ્ડકપ 2023માં ભારતનું પલડું ભારે છે. ભારતીય ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. ભારતીય ટીમ સતત 10 મેચ જીતી ફાઇનલમાં પહોંચી છે. કોહલી આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે. મોહમ્મદ શમી લીડિંગ વિકેટ-ટેકર બોલર છે.. શ્રેયસ અય્યરે પણ સતત બે સદી ફટકારી છે.. કે.એલ. રાહુલે ખરા સમયે શાનદાર ઇનિંગ રમી હતી.. બુમરાહ, સિરાજ, જાડેજા, કુલદીપ પણ મહત્વનો રોલ નિભાવી રહ્યા છે.. રોહિતે કેપ્ટનશિપની સાથે સાથે બેટિંગમાં કમાલ દેખાડ્યો હતો..



વિરાટ કોહલીના ફેનની આતુરતા
ભારતના ક્રિકેટરોની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીના આખી દુનિયામાં અનેક ફેન છે. પરંતુ અમદાવાદમાં વિરાટ કોહલીની એક ફેન તેની તસવીરોની બુક લઈને સ્ટેડિયમ પહોંચી છે. જેણે 2016થી લઈને અત્યાર સુધી વિરાટ કોહલીની જિંદગીની દરેક તસવીરને પુસ્તકમાં સાચવીને રાખી છે. આજે જ્યારે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ફાઈનલ મેચ છે ત્યારે વિરાટની ફેન આશા રાખી રહી છે કે 51 સદીની ભેટ વિરાટ જરૂર આપશે. સાથે જ તે વિરાટ કોહલી સાથે મુલાકાત કરવા પણ ઈચ્છે છે.



વર્લ્ડકપના રસિકો માટે સ્પેશિયલ ટ્રેન
અમદાવાદ વર્લ્ડ કપ મેચ નિહાળવા આવતા ચાહકો માટે રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈથી અમદાવાદ અલગ અલગ વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેન શરૂ થતાં ક્રિકેટ રસીકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ગત મોડી રાત્રે એક વિશેષ ટ્રેન રવાના થઈ જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. આ તમામ ક્રિકેટ ચાહકો આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ અમદાવાદમાં નિહાળશે.