ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર ભારત માટે `મોડેલ સ્ટેટ` બનશે, કેન્દ્રીય બજેટ પર રાજ્યપાલે આપી પ્રતિક્રિયા
કેન્દ્રીય બજેટમાં પ્રાકૃતિક કૃષિને ટોચ અગ્રતા : બે વર્ષમાં એક કરોડ કિસાનોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રોત્સાહિત કરાશે. કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ ગુજરાતના રાજ્યપાલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ગાંધીનગરઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર 2024-25 રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે. આ વચ્ચે કૃષિ ક્ષેત્રે થયેલી જાહેરાતોને લઈને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માન્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિને ટોચ અગ્રતા આપીને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની ઉજ્જવળ આવતીકાલ માટે પર્યાવરણ, પ્રકૃતિ અને સમગ્ર માનવજાતની ચિંતા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના આ નિર્ણયને હું અંતરના ઉમળકાથી આવકારું છું.
આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારામને ચતુર્દિક સમૃદ્ધિ અને સશક્ત વિકાસ માટે ભારત સરકારની નવ પ્રાયોરિટીમાં કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનશીલતા સાથે ઉત્પાદકતામાં વૃદ્ધિને પ્રથમ અગ્રતા ગણાવી હતી. કૃષિમાં પણ પ્રાકૃતિક કૃષિને ભારત સરકારની ટોપ પ્રાયોરિટીમાં મુકતા તેમણે કહ્યું હતું કે આગામી બે વર્ષમાં ભારતમાં એક કરોડ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરાશે. પ્રાકૃતિક કૃષિ પેદાશોની પ્રમાણિકરણ પ્રક્રિયા અને બ્રાન્ડિંગમાં પણ સહયોગ અપાશે. આ માટે ગ્રામ પંચાયતો અને વિજ્ઞાન કેન્દ્રો-વિજ્ઞાન સંસ્થાઓની મદદ લેવાશે.
આ પણ વાંચોઃ ક્યાંક ખુશી, ક્યાંક નિરાશા, જાણો કેન્દ્રીય બજેટને કઈ રીતે જુએ છે ગુજરાતીઓ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, નાણામંત્રી નિર્મલા સીતારામન, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને નાણામંત્રાલયના તમામ અધિકારીઓનો આ અવસરે આચાર્ય દેવવ્રતજીએ પ્રણામપૂર્વક આભાર માન્યો હતો..
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર ભારત માટે 'મોડેલ સ્ટેટ' બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપવા માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આ તબક્કે આભાર માનું છું. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ કરી રહેલા 9.50 લાખથી વધુ ખેડૂતોને પણ તેમણે આ અવસરે અભિનંદન પાઠવ્યા હતા.