અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં જાણે ગ્રહણ લાગ્યું છે. પ્રદેશ પ્રમુખ બદલાયા બાદ પણ જાણે સ્થિતિ સુધરવાને બદલે વણસી રહ્યા હોવાનો ઘાટ છે. દિગ્ગજ નેતા ઇન્દ્રનિલ રાજ્યગુરૂના રાજીનામા બાદ આજે પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ કાર્યકરોએ હંગામો મચાવતાં પાર્ટીનો આંતરિક ડખો સપાટીએ દેખાય છે. યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા શહેર પ્રમુખની નિયુક્તિને લઇને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાતાં પ્રદેશ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ પણ અટકાવવી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસની સ્થિતિ જાણે એક સાંધે તો તેર તૂટે એવી થઇ રહી છે. તમે જાવ, હું આવું જ છું... મુજબ એક પછી એક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. દિગ્ગજ નેતાઓમાં નારાજગીનું વાવાઝોડું ફૂંકાઇ રહ્યું છે ત્યાં પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલ બાદ વધુ એક બળવાન નેતા ઇન્દ્રનિલ રાજ્યગુરૂએ પાર્ટી છોડતાં ખળભળાટ મચી ગયો છે. 


આ પણ વાંચો : ભાજપ લોકસભાની તૈયારીમાં, કોંગ્રેસ જૂથવાદમાં વ્યસ્ત...


આ અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારોને બ્રિફિંગ આપી રહ્યા હતા. આ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોએ એકાએક હંગામો મચાવ્યો હતો. શહેર પ્રમુખની નિયુક્તિને લઇને કાર્યકરોએ ઉગ્ર હંગામો મચાવતાં મામલો ઉગ્ર બન્યો હતો. સિનિયર નેતાઓ દ્વારા કાર્યકરોને સમજાવવા પ્રયાસ કરાયો હતો. જોકે આમ છતાં તેઓ ન માનતાં મામલો વધુ વણસ્યો હતો. કાર્યકરોએ પ્રદેશ પ્રમુખની નેમ પ્લેટ સહિતની તોડફોડ કરી હતી. છેવટે અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચેથી છોડવી પડી હતી.