મહેસાણાવાસીઓનું છઠ્ઠુ નોરતું બન્યું ખાસ, ગરબે ઘૂમ્યો મલ્હાર ઠાકર
Navratri 2022 : ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકરે ખેલૈયાઓ વચ્ચે ગરબા કર્યા
તેજસ દવે/મહેસાણા :નવરાત્રિનો માહોલ જામ્યો છે, ત્યારે દરેકને નવરાત્રિનો રંગ લાગ્યો છે. ત્યારે ગુજરાતી કલાકારો કેમ પાછળ પડે. મહેસાણામાં ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર નવરાત્રિના રંગે રંગાયા હતા. મહેસાણાના શંકુઝ વોટર પાર્ક ખાતે આયોજિત નવરાત્રિની મલ્હાર ઠાકરે મુલાકાત લીધી હતી. એટલું જ નહિ, ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકરે પણ ખેલૈયાઓ વચ્ચે ગરબા કર્યા હતા.
કોરોના કાળ બાદ લોકોમાં નવરાત્રિનો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે દરેક નવરાત્રિ ગ્રાઉન્ડ પર હજારોની સંખ્યામાં ખેલૈયાઓ એકઠા થયા. છઠ્ઠા નોરતે મોટી સંખ્યામાં એકઠા થઇ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. તો મહેસાણાનું છઠ્ઠુ નોરતું મલ્હાર ઠાકરને કારણે ખાસ બન્યુ હતું. મલ્હાર ઠાકરે ગરબામાં આવીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ તેમણે સ્ટેજ પર ગરબા પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક્ટર મલ્હાર ઠાકર ગરબાના શોખીન છે. તેમના ગરબાના અનેક વીડિયો વાયરલ થાય છે.
તો બીજી તરફ, મહેસાણાના ઊંઝામાં નવરાત્રિની ઉજવણીમાં ખેલૈયાઓ વચ્ચે બંદૂકથી ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો છે. એક ગ્રુપ ના યુવાનો ગરબે ઘૂમીને સસ્તા દરે મીઠાઈની જાહેરાત કરી હતી. તે વખતે બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. આ ગ્રુપ દર વર્ષે ઊંઝામાં સસ્તા દરે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરે છે. આ ગ્રુપના યુવાનો મીઠાઈની જાહેરાત કરતા હતા તે વખતે એક યુવાન દ્વારા બંદૂકથી ફાયરિંગ કરાયુ હતું. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. જોકે, બંદૂક અસલી કે નકલી છે તે તપાસનો વિષય છે. હવામાં ફાયરિંગનો ડોળ કરી રોલો પાડવાનો પ્રયાસ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે.