ઝી બ્યુરો/અમદાવાદ: ઉત્તરાખંડમાં ગુજરાતીઓને એક મોટો અકસ્માત નડ્યો છે. જેમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, 19 મુસાફરોને બચાવી લેવાયા છે. જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. આ ઘટના અંગે જાણવા મળી રહ્યું છે ગંગોત્રી નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. આ બસમાં 35 લોકો સવાર હતા. જેમાં 27 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર અને સુરતના યાત્રાળુઓના મોત
ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુજરાતીઓને નડેલા બસ અકસ્માતમાં સવાર 31 યાત્રાળુઓ ભાવનગરના હોવાનું સામે આવ્યું છે. જ્યારે બસમાં સવાર 3 યત્રાળુઓ સુરતના હતા. આ તમામ યાત્રાળુઓ 15 ઓગસ્ટે ભાવનગરથી યાત્રાએ નીકળ્યા હતા. 16 ઓગસ્ટે દિલ્લીથી યાત્રાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આજે ગંગોત્રી નેશનલ હાઈવે પર બપોરે 3 વાગ્યાની આસપાસ ડ્રાઈવરની ભૂલના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 ગુજરાતીઓનાં મૃત્યુ થયા છે. આ ઉપરાંત ઉત્તરાખંડ SDRFએ 27 લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. તેમજ વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. ઉત્તરકાશીના ડીએમ અને એસપીએ માહિતી આપી હતી કે બસ નંબર UK07PA-8585 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.


શું બની છે સમગ્ર ઘટના?
આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે, ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈ-વેના ગંગનાની પાસે બપોરે લગભગ 3:00 વાગ્યે પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. પ્રાથમિક માહિતી અનુસાર પેસેન્જર બસમાં 35 મુસાફરો હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ કરવામાં આવતા એસડીઆરએફે સ્થાનિક લોકોની મદદથી 19 ઘાયલ મુસાફરોને તરત જ બચાવી લીધા છે. જ્યારે આ ઘટનામાં 6 યાત્રાળુઓના મોત થયાનું જણાવવામાં આવી રહ્યું છે, હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે, પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે હાજર છે. તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી હોવાનું કહેવાય છે. મુસાફર બસ ગંગોત્રીથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી.


 SDRF, પોલીસ, 108 સેવા ઘટના સ્થળે
ઘટનાની જાણ થતાં જ SDRF, પોલીસ, 108 સેવા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને સ્થાનિક લોકોની મદદથી 27 ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે હાજર છે. તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી છે. પેસેન્જર બસ ગંગોત્રીથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી ત્યારે પાસ અચાનક ખીણમાં પડી હતી. સદનસીબે, બસ રોડ નીચે ઉતરીને ઝાડમાં ફસાઈ હતી.



રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ ઘટનાની માહિતી આપી
ઉત્તરાખંડમાં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે. તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનરના સતત સંપર્કમાં છે. રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે.


ઇજાગ્રસ્ત પ્રવાસીઓને ઋષિકેશ લઈ જવાયા
ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે.


ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. 


સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માત અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.



ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
ઉત્તરાખંડમાં સર્જાયેલ બસ દુર્ઘટનામાં ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારનાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઈમરજન્સી  હેલ્પલાઈન ફોન નંબર 079 23251900  જાહેર કરવામાં આવ્યો છે. આ  ફોન નંબર પર સીધા સંપર્ક કરી શકશો. તેમ રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું.



ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું - અકસ્માતમાં કેટલાક લોકોના જીવ ગુમાવ્યા અને કેટલાક ઘાયલ થયાના સમાચાર આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભગવાન અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.