જૂનાગઢમાં જમાવટ! આજથી લીલી પરિક્રમાનો પ્રારંભ, હાર્ટ અટેકના કેસ રોકવા ખાસ વ્યવસ્થા
Junagadh: 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા હતા. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે.
Junagadh: ગુજરાતમાં દર વર્ષે કેટલાંક ધાર્મિક મેળાવડા અને ધાર્મિક કાર્યક્રમો નિયમિત પણે યોજાતા હોય છે. એના પ્રત્યે લોકોને ખુબ જ શ્રદ્ધા હોય છે. કહેવાય છેકે, આવા મેળાવડામાં જવાથી જ દરેકનો બેડોપાર થતો હોય છે. ત્યારે પોતાનો બેડો પાર લગાવવા માટે સંખ્યાબંધ ભક્તો જૂનાગઢ ભણી દોટ લગાવી રહ્યાં છે. કારણકે, આજથી જૂનાગઢમાં લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા એક દિવસ પહેલા જ ગિરનારનો પ્રવેશ ગેટ ખોલવામાં આવ્યો હતો. એટલે કે ગઇકાલે જ 50 હજારથી વધુ ભાવિકોએ પરિક્રમા રૂટ પર એન્ટ્રી લીધી હતી.
36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા હતા. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે. ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી વિભાગ તરફથી 100 જેટલી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે. 5 દિવસ સુધી આ એક્સ્ટ્રા બસ દોડાવાશે. સાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડે પણ પરિક્રમામાં આવતા ભક્તોને રુટ પર ગંદકી ન કરવા માટે અપીલ કરી હતી.
યાત્રા દરમિયાન ભાવિકોને મેડિકલ સેવા મળી રહે માટે 108ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક રૂટના અંતરે 108 સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લીલી પરિક્રમા શરુ થવા પૂર્વે શેરનાથ બાપુ દ્વારા ભાવિકોને ગંદકી ન કરવા અને જંગલનું જતન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. ભાવિકોને ખાસ કરીને પ્લાસ્ટિક જંગલમાં ન ફેંકવા તેમજ તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. મોટા ભાગના ભાવિકો અહીં એક બે નહી પરંતુ વર્ષોથી આ લીલી પરિક્રમાનો લ્હાવો લેવા આવતા હોય છે. પ્રકૃતિની મજા માણવાના હેતુ સાથે અહીં લોકો પુણ્યનું ભાંથુ બાંધવા માટે પણ આવે છે.પરિક્રમાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
હાર્ટ અટેકના બનાવને ધ્યાનમાં રાખીને કરાઈ ખાસ વ્યવસ્થાઃ
રાજ્યમાં હાર્ટ અટેકના બનાવમાં વધારો થયો છે જેને ધ્યાનમાં રાખીને ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન જો આવી કોઈ ઘટના બને તો ભાવિકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સજાગતા રાખવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે ૮૦ જેટલા અન્નક્ષેત્રોના સંચાલકો ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાના લોકોને નિષ્ણાંત ડોક્ટરો દ્ધારા CPRની તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ લોકોના જીવ બચાવવા માટે ખૂબ કારગર છે. આ સાથે કલેક્ટરે અન્નક્ષેત્રના સંચાલકોને કોઈ ગંદકી ન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોના સહયોગથી આપણા ગિરનારને સ્વચ્છ અને સુંદર જાળવી રાખીશું.