Jagannath Rath Yatra 2022: અમદાવાદમાં જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા વિશે તો તમને ખબર હશે. પરંતુ શુ તમે જાણો છે કે, ગુજરાતના અનેક શહેરોમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળતી હોય છે. ત્યારે જોઈ લો આજે કયા કયા શહેરીજનોએ પોતાના શહેરમાં રથયાત્રાના દર્શન કર્યાં.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા
વડોદરામાં ભગવાન જગન્નાથની 41મી રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને એક જ રથમાં બિરાજમાન કરાયા હતા. તે પહેલા રથને ભવ્ય શણગાર કરાય હતો, તો રંગરોગાન પણ કરાયુ હતું. કોરોનાના બે વર્ષના અંતરાળ બાદ ધામધૂમથી રથયાત્રા નીકળી હતી. પહેલી વખત રથયાત્રામાં 30 ટન શીરો, કેળા, જાંબુનનો પ્રસાદ વહેચાયો હતો. વિમાન, રોડ અને ટ્રેન મારફતે 2.5 લાખના ફૂલો ખાસ મંગાવવામા આવ્યા હતા. તો અમેરિકા, યુકેથી ઇસ્કોન મંદિરનાં સંતો પણ વડોદરાની રથયાત્રાને નિહાળવા આવી પહોંચ્યા હતા. થાઇલેન્ડથી મંગાવાયેલા ખાસ ફૂલો ભગવાન જગન્નાથજીને ધરાવાયા હતા. રથયાત્રાને લઈને વડોદરાના ભક્તો, મંદિરના સંતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 


આ પણ વાંચો : રાજસ્થાનના કન્હૈયાની જેમ ગુજરાતી યુવકને મળી મોતની ધમકી, કહ્યું-તારું પણ ગળુ કાપી નાંખીશું


બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં છેલ્લા 51 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન અષાઢી બીજને દિવસે કરવામાં આવતું હોય છે. જોકે છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળી શક્યા ન હતા. જેને લઈ  ભક્તજનો છેલ્લા બે વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન ની રાહ જોઈ બેઠા હતા. ચાલુ વર્ષે કોરોના અંકુશમાં આવતા આજે અષાઢી બીજના ભગવાન જગન્નાથજી રંગેચંગે નગર ચર્યાએ નીકળ્યા હતા. પાલનપુરમાં 51 વર્ષમાં પહેલીવાર ભગવાન જગન્નાથજીનું મોસાળે લઇ જવાનું આયોજન કરાયું હતું. બે દિવસ અગાઉ ભગવાન જગન્નાથજીને તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે મોસાળ લઇ જવાયાં હતાં. પાલનપુરના ચોક્સી પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીનું 4.11 લાખનું મામેરું ભરવામાં આવ્યું હતું. તે બાદ ભગવાન જગન્નાથજીને ગઇકાલે સાંજે નિજમંદિરે પરત લાવવામાં આવ્યાં અને આજે વહેલી સવારે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નિકળ્યા હતા. મહત્ત્વની વાત છે કે, પાલનપુરમાં સૌપ્રથમવાર 13 કિલોમીટરની રથયાત્રાનો રૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે શહેરના પૂર્વ વિસ્તારની સાથે સાથે પશ્ચિમ વિસ્તારમાં પણ રથયાત્રા  પરિક્રમા કરાવાઈ હતી. શ્રીરામ સેવા સમિતિ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા રથયાત્રાના આયોજનના ભાગરૂપે 1300 કિલો જેટલો મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ વહેંચાયો હતો. એક હાથી, ચાર ઘોડા ચાર બગી સહિત અનેક ઝાંખીઓ રથયાત્રામાં જોડવામાં આવી હતી. વહેલી સવારે પાલનપુરના મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા, જે શહેરના અનેક માર્ગો પર પરિક્રમા કરી ભક્તજનોને દર્શનનો લાભ આપી સાંજે પરત નીજ મંદિરે ફર્યાં. ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ સમગ્ર શહેર ભક્તિમય બન્યું હતું. સમગ્ર શહેરમાં જગન્નાથમય માહોલ જામ્યો હતો. કાયદો સુરક્ષા જળવાઇ રહે તે હેતુસર રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. એસપી, ડીવાયએસપી સહિત  544 જેટલા પોલીસ જવાનો રથયાત્રામાં તૈનાત કરાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના જાહેરમાર્ગો પર પરિક્રમા કરી મોડી સાંજે પરત નીજ મંદિરે ફરી હતી.


આ પણ વાંચો : બોરસદનું સ્વંયભૂ શિવલિંગનું સ્થળ બની ગયુ પિકનિક સ્પોટ, રોજ 5 હજાર લોકો આવે છે


ભાવનગર
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 37 મી રથયાત્રા લોખંડી બંદોબસ્ત વચ્ચે નીકળી હતી. ભાવનગરના રાજવી મહારાજા વિજયરાજસિંહજી દ્વારા પૂજા વિધિ બાદ પ્રસ્થાન કરાવ્યુ હતું. જોકે, અષાઢી બીજે મેઘાના અમી છાંટણા થયા હતા. ભગવાન જગન્નાથજી રથયાત્રા પર મેઘાએ હેત વરસાવ્યું હતું. દર વર્ષે અષાઢી બીજે રથયાત્રા પર અચૂક વરસાદ વરસે છે. આજે પણ ભાવનગરના રાજમહેલ નજીક પહોંચેલી રથયાત્રાને મેઘાના વધામણાં થયા હતા. વીજ ચમકારા અને મેઘ ગર્જના સાથે ધીમીધારે વરસાદ પડ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે રથયાત્રાને સંપન્ન કરાવાઈ હતી. ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા.


અરવલ્લી 
યાત્રાધામ શામળાજી ખાતે ચાંદીના રથમાં ભગવાન કાળીયા ઠાકોરની રથયાત્રા નીકળી હતી. ભાગવાનના બાળ સ્વરૂપ લાલજી ભગવાનને ચાંદીના રથમાં બિરાજમાન કરાયા હતા. જોકે, રથયાત્રા મંદિર પરિસરમાં સાત આંટા ફરીને તેને પૂર્ણ કરાઈ હતી. આ પ્રસંગે અનેક ભક્તો ભગવાનની રથયાત્રામાં જોડાયા હતા. તો વરસાદના પણ અમી છાંટણા થયા હતા. ભાવ અને શ્રદ્ધા પૂર્વક વાજતે ગાજતે રથયાત્રા નીકળી હતી. 


આ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂર્વ CM બની ગયેલા ઉદ્ધવ ઠાકરેનુ દર્દ છલકાયું, ભાજપને અઢી વર્ષ પહેલાની વાત યાદ અપાવી


ઈડર 
ઇડરમાં બે વર્ષ બાદ આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. ઇડરમાં રામદ્વારા મંદિરેથી ભગવાન જગન્નાથની 24 મી રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને સુભદ્રાજી એક રથમાં બિરાજમાન થયા હતા અને અખાડા અસાથે ભજનમંડળીઓ સાથે નીકળી હતી. આમ, ભગવાન શહેરના પરિભ્રમણ માટે નીકળ્યા હતા. 


દમણ-દાદરાનગર હવેલી
આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગરહવેલીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી. ત્યારે વાપી અને સંઘપ્રદેશમાં પણ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના ડુંગરા તથા કોપરલી ખાતે ઇસ્કોન મંદિરમાં આવેલા જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળી હતી. જે વાપી તથા સંઘપ્રદેશના જાહેર માર્ગો પર ફરી હતી. આ રથયાત્રા પર અમી છાંટણા થયા હતા. ગુજરાત સરકારના નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. 


આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની ઝાટકણી કાઢીને કહ્યું, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગો...


સુરેન્દ્રનગર 
સુરેન્દ્રનગર જિલ્લામાં 7 સ્થળે રથયાત્રા નીકળી હતી. તો ભક્તો ડીજેના તાલ સાથે ઝૂમ્યા હતા. જિલ્લામાં પાટડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર શહેરમાં 5 સહિત 7 સ્થળે યાત્રા ફરી હતી. કોરોના કાળમાં 2 વર્ષ સતત યાત્રા બંધ હતી, તો આ વર્ષે યાત્રા નીકળતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આમ, શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થઈ હતી.


રાજકોટ
રાજકોટમાં પણ વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. બે વર્ષ બાદ રાજમાર્ગો પર જય જગન્નાથનો જયનાદ ગુંજી ઉઠ્યો હતો. રથયાત્રા રુટ પર ડ્રોન કેમેરાથી પોલીસે બાજનજર રાખી હતી. જેથી સાંજે શાંતિથી શહેરભરમાં પરિભ્રમણ કરીને રથયાત્રા પરત ફરી શકે. રથયાત્રાના રૂટ પર 300 કિલો મગના પ્રસાદનું વિતરણ કરાયુ હતું.