અમદાવાદ :ગુજરાતના ખેડૂતોની આ વર્ષે ખરેખર માઠી બેઠી છે. ખેડૂતોને જાવું તો ક્યાં જવુ તે ડર ખેડૂતો (Farmers) ને સતાવી રહ્યો છે. ખેતરોના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યાં છે. અને રવિ પાક લેવાની ઉતાવળ કરતાં ખેડૂતોની મુસીબતો ઓછી થવાનું નામ જ નથી. એક તરફ, અતિવૃષ્ટિથી ખેતરો બેટ જેવા બની ગયા છે. તો બીજી તરફ માવઠાથી ઉભો પાક આડો પડ્યો છે. એટલું જ નહિ, ત્રીજા મોરચે ખેડૂતો જીવાતોનો સામનો કરી રહ્યાં છે. જીવાતોએ ખેતર પર આક્રમણ કરી દીધું છે. આવામાં ખેડૂત જાય તો ક્યાં જાય તે પ્રશ્ન તેને સતાવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોની એવી તો માઠી બેઠી છે કે, પાક ઉગાડ્યો ના ઉગાડ્યા બરાબર થઈ ગયો. આ વર્ષે રાજ્યના ખેડૂતો ચોમાસાની કાગડોળે રાહ જોઈને બેસ્યા હતા, પણ મેઘરાજા એવા તો વરસ્યા કે પાછા જવાનું નામ જ ન લીધું. તેમ છતાં ખેડૂતોએ હિંમત એકઠી કરીને હોંશેહોંશે વાવેતર કર્યું, પાક પણ ખેતરોમાં લહેરાયો. ત્યાં તો માવઠું પડ્યું. એ પણ હશે ચલો. પાક તો થઈ ગયો એવું વિચારી ખેડૂતોએ લણવાની તૈયારી કરી હતી. પરંતુ પાકમાં જીવાત અને ફૂગનો ઉપદ્રવ થઈ ગયો છે. રાજકોટના વીરપુરના જલારામધામના ખેતરોમાં પણ આવુ જ કઈંક થયુ. કંટાળેલા ખેડૂતે ખેતરમાં ઢોર ચરાવવા મૂકી દીધા છે. કારણ કે કપાસમાં ગુલાબી ઈયળે આક્રમણ કરી દીધું છે. આ ઈયળવાળા પાકને ખેતરમાંથી કાઢવા માટે પણ
મજૂરીનો ખર્ચ પોસાય એમ નથી. એટલે કાળજા પર પથ્થર રાખીને પશુઓને ખુલ્લા ખેતરમાં છોડી મૂક્યાં. ક્યાંક એ એબોલ જીવના પેટમાં તો કંઈ પડે.
 
માવઠાથી આડો પડ્યો પાક 
વાત માત્ર ગુલાબી ઈયળની નથી. એરંડામાં પણ ઘોડિયા ઈયળે આક્રમણ કર્યું હતું. તેની કચ્છથી છેક ઉત્તર ગુજરાત સુધી અસર જોવા મળી રહી. આટલુ ઓછું હોય તેમ અરવલ્લીના વાતાવારણમાં પલટો જોવા મળ્યો. મોડાસા શહેરમાં માવઠાએ ફરી ખેડૂતોના જીવ તાળવે ચોંટાડી દીધાં. શામળાજી, ભિલોડા સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતાં ઘઉં, મકાઈ સહિતના રવિ પાકને નુકસાનની ખેડૂતોમાં ભીતિ ફેલાઈ છે. આ તરફ માવઠામાં પલળી ગયેલી મગફળીને સૂકવવા માટે ગીરસોમનાથના માર્કેટયાર્ડમાં ખેડૂતોએ પાંચ કલાકની મહેનત ઉઠાવી છે.
 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube