Corona સામે ગુજરાતની લડત બની મજબૂત, છેલ્લા 23 દિવસમાં 1 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા
ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. માત્ર સોમવારે રાજ્યમાં 5 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેકસીન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં ૪ કરોડ ૩૧ લાખ ૬૮ હજાર ૪૯૭ વેકસીનના ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાનને વધું વ્યાપક બનાવી ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.
રાજ્યના આરોગ્ય કર્મીઓ, તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સહિત સૌએ ઓગસ્ટ મહિના દરમિયાન આ રસીકરણ અભિયાનને ઝુંબેશ સ્વરૂપે ઉપાડીને માત્ર ત્રેવીસ દિવસમાં એટલે કે સોમવાર તા. ૨૩ ઓગસ્ટ સુધીમાં ૧ કરોડ ૧૮ હજાર ૧૧૮ ડોઝ આપવાનો લક્ષ્યાંક પાર કરી દીધો છે. મુખ્યમંત્રી એ રાજ્યના સૌ આરોગ્ય કર્મીઓને આ સઘન કામગીરી માટે અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચોઃ મહિસાગરમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગના કારણે ખેડૂત દંડાય છે
ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૩ કરોડ ૨૫ લાખ ૮૪ હજાર ૧૯૮ પ્રથમ ડોઝ અને ૧ કરોડ ૦૫ લાખ ૮૪ હજાર ૨૯૯ બીજો ડોઝ મળી સમગ્રતયા ૪,૩૧,૬૮,૪૯૭ ડોઝ વેકસીનેશનના આપવામાં આવ્યા છે.
ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે. એટલુ જ નહીં, સોમવાર તારીખ ૨૩ ઓગસ્ટના એક જ દિવસમાં રાજ્યમાં ૫ લાખ ૧ હજાર ૮૪૫ રસીના ડોઝ આપવાની સિદ્ધિ પણ ગુજરાતે મેળવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube