ગુજરાતમાં રોજગારીના સર્જનની દિશામાં વધુ એક કદમ! આ જિલ્લામાં શરૂ કરાઈ પ્રથમ પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ
ભાવનગર હવાઈ મથકે પૂર્ણ ભૌગોલિક ક્ષમતા હોવા છતાં પૂરી રીતે કાર્યરત નથી. ભાવનગરમાં રાજકીય ઇચ્છાશક્તિ ના અભાવે અનેક ઉડાન શરૂ કરાયાના થોડા સમયમાં બંધ થઈ જતી હોય હવાઈ સેવાના સંચાલન માટે ટીકાપાત્ર બની રહ્યું છે.
નવનીત દલવાડી/ભાવનગર: ગુજરાતની સર્વ પ્રથમ પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ભાવનગર હવાઈ મથક ખાતે શરૂ થવા જઇ રહી છે. 100 જેટલા વિદ્યાર્થીઓ પાયલટ માટેની ટ્રેનિંગ મેળવી શકે એ માટે સુવિધા યુક્ત તાલીમ સંકુલ તૈયાર થઈ ગયું, જે પાયલટ ટ્રેનિંગની શરૂઆત પૂર્વે જ ત્રણ વિમાન પણ આવી પહોંચ્યા છે, જ્યારે હજુ 10 જેટલા વિમાનો આવતા 14 વિમાનોની સ્ટ્રેંથ સાથે પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ભાવનગર ખાતે ધમધમતી થઈ જશે. ભવિષ્યમાં વધુમાં વધુ પાયલટની માંગ ઊભી થવાની છે, ત્યારે યુવાનો પાયલટ ટ્રેનિંગ મેળવી હવાઈ ક્ષેત્રે પણ હરણફાળ ભરી શકશે અને આકાશમાં ઉડવાનું યુવા સ્વપ્ન પણ સાકાર થશે.
ગુજરાતની સૌપ્રથમ પાયલટ ટ્રેનિંગ સ્કૂલ
ભાવનગર હવાઈ મથકે પૂર્ણ ભૌગોલિક ક્ષમતા હોવા છતાં પૂરી રીતે કાર્યરત નથી. ભાવનગરમાં રાજકીય ઇચ્છાશક્તિ ના અભાવે અનેક ઉડાન શરૂ કરાયાના થોડા સમયમાં બંધ થઈ જતી હોય હવાઈ સેવાના સંચાલન માટે ટીકાપાત્ર બની રહ્યું છે, ત્યારે ભાવનગર હવાઈ મથક ખાતે શરૂ થઈ રહેલી પાયલટ ટ્રેનિંગ સ્કૂલ યુવાધનના સપનાઓને ચોક્કસ સાકાર કરશે અને નવી ઉંચાઈઓ પર લઈ જશે. કારણ કે સમગ્ર ગુજરાતમાં ઉડ્ડયન તાલીમ ક્ષેત્રે ભાવનગરને મોખરાનું સ્થાન મળવા જઈ રહ્યું છે. ભાવનગર હવાઇ મથક પર ગુજરાતની સૌપ્રથમ પાયલટ ટ્રેનિંગ સ્કૂલ આકાર લઇ રહી છે. અને તેના માટેનું તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ ચૂક્યુ છે. એવું એરપોર્ટ ઓથોરિટી ભાવનગરના ડાયરેક્ટર યોગેન્દ્રસિંઘ તોમરે જણાવ્યુ હતું.
ખાનગી ક્ષેત્રે પણ નોકરીની મોટી તક
આગામી સમયમાં ભારતમાં એક વર્ષમાં 1000 કરતા વધારે નવા વિમાનો આવશે, જે માટે પાયલટ જરૂરિયાત ઊભી થશે, એક વિમાન માટે આશરે 12 પાયલટ ની જરૂર હોય છે, એ હિસાબે માત્ર ભારતમાં જ 12 હજાર પાયલટ ની માંગ ઊભી થશે, જ્યારે વિશ્વના અનેક દેશોમાં બની રહેલા નવા નવા હવાઈ જહાજો માટે પણ પાયલટની વ્યાપક માંગ ઊભી થશે, જે માટે ટ્રેનિંગ સ્કૂલ ખાતે તૈયાર થઈ રહેલા પાયલટ ને સરકારી અને ખાનગી ક્ષેત્રે પણ નોકરીની મોટી તક મળશે.
પાયલટ ટ્રેનિંગ સ્કૂલનું ઇન્સપેક્શન થશે
હાલ ભાવનગર હવાઈ મથકે 100 વિદ્યાર્થીઓને સમાવિષ્ઠ થઈ શકે એટલી ક્ષમતાની પાયલટ ટ્રેનિંગ સ્કૂલની શરૂઆત થશે, અને તબક્કાવાર તેમાં વધારો કરવામાં આવશે. અહીં સંપૂર્ણ પાયલટ ટ્રેનિંગ આપવામાં આવશે, સીમ્યુલેટર પર પ્રાથમિક તાલીમ અપાયા બાદ તાલીમાર્થીઓને 3 પ્લેનમાં પ્રેક્ટિકલ રીતે ઉડ્ડયનની તાલીમ આપવામાં આવશે. ડ્યુન્સ એવિએશન એકેડમી દ્વારા ભાવનગરના હવાઇ મથક પર અત્યાધુનિક સુવિધાઓ સાથે ની એકેડમી ઉભી કરવામાં આવી છે. હાલ આ એકેડેમી માટે 3 પ્લેન અને અત્યાધુનિક સાધનો આવી ચૂક્યા છે, ત્યારે ટુંક સમય માજ આ પાયલટ ટ્રેનિંગ સ્કૂલનું ઇન્સપેક્શન થશે, અને બાદમાં તેનો વિધિવત્ પ્રારંભ થઇ જશે.