CBI વોરમાં હવે હરીભાઈ ચૌધરીની એન્ટ્રી, લાંચના આરોપ લાગનાર આ મંત્રી છે મોદીના ‘માનીતા’
માંસના વેપારી મોઈન કુરેશી કેસમાં તપાસ કરી ચૂકેલા અધિકારી મનીષ સિન્હાએ પિટીશન કરીને આરોપ મૂક્યા છે કે, આ મામલે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ લાંચ લીધી છે. સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર અસ્થાના સામેની તપાસમાં કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી, એનએસએ અજિત ડોવાલે દરમિયાનગીરી કરી હતી.
સીબીઆઈમાં રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે ચાલી રહેલી જંગમાં હવે નવો અને મોટો વળાંક આવ્યો છે. જેનો રેલો ગુજરાતના બનાસકાંઠા સુધી પહોંચ્યો છે. માંસના વેપારી મોઈન કુરેશી કેસમાં તપાસ કરી ચૂકેલા અધિકારી મનીષ સિન્હાએ પિટીશન કરીને આરોપ મૂક્યા છે કે, આ મામલે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ લાંચ લીધી છે. સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર અસ્થાના સામેની તપાસમાં કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી, એનએસએ અજિત ડોવાલે દરમિયાનગીરી કરી હતી.
મનીષ સિન્હાએ લગાવેલો આરોપ ગુજરાત સરકાર તથા કેન્દ્રમાં બેસેલી બીજેપી સરકાર પણ હચમચી જાય તેવો છે. સીબીઆઈની ડીઆઈજી અને આ કેસની તપાસ કરી રહેલા મનીષ કુમાર સિન્હાએ જે લેખિત આક્ષેપ કર્યો છે, તેનાથી મોદી સરકારની મુશ્કેલીઓ વધી શકે છે.
હરીભાઈએ લાંચ લીધી
અરજીમાં લખાયું છે કે, વેપારી સતીષ સનાએ તપાસમાં કબૂલ્યું છે કે કેસની પતાવટ માટે કેન્દ્રીય મંત્રી હરીભાઈને 2 કરોડ રૂપિયા અપાયા હતા. તેમણે પર્સોનલ મંત્રીની ઓફિસ દ્વારા સીબીઆઈના સિનીયર અધિકારી સાથે દરમિયાનગીરી કરી હતી. અમદાવાદના વિપુલ થકી રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
સનાએ શું કહ્યું...
અરજીમાં લખ્યું છે કે, સતીષ બાબુ સનાએ માહિતી આપી હતી કે, તે વિજિલન્સ કમિશનર કે.વી.ચૌધરી અને તેમના સગા તથા હૈદરાબાદ ડીપીએસના માલિક ગોરન્થલા રમેશને મળ્યો હતો. દિલ્હીમાં ક્યાં અને ક્યારે મુલાકાત થઈ તેની માહિતી નહોતી આપી. પણ ગોરન્થલા રમેશે પોતાની કોઈ જમીન ચાર કરોડમાં વેચી હતી અને તેમાંથી 50 લાખ આપ્યા હતા. જે મોઈન કુરેશીને પહોંચાડવાના હતા. 50 લાખનો વ્યવહાર થયા બાદ સીવીસી કે.વી.ચૌધરીએ રાકેશ અસ્થાનાને પોતાના ઘરે બોલાવીને પૂછપરછ કરી હતી. અસ્થાનાએ એવી ખાતરી આપી હતી કે, આમાં સીવીસી વિરુદ્ધ કોઈ જ પુરાવા નથી, તેથી ગભરાવા જેવું કંઈ જ નથી.
શું લખ્યું છે અરજીમાં...
મનીષ સિન્હાએ અરજીમાં કહ્યું કે, તેઓ જ્યારે આ કેસ મામલે સીબીઆઈ ઓફિસર દેવેન્દ્રકુમારના ઘરે તપાસ કરી રહ્યાહ તા ત્યારે સીબીઆઈ ડિરેક્ટરને આ સર્ચ અટકાવવાનો ફોન આવ્યો હતો. આ ફોન અજિત ડોવાલનો હતો.
અધિકારીઓને ધમકી મળી રહી છે
પિટીશનમાં સિન્હાએ અપીલ કરી છે કે, અસ્થાના કેસમાં કોર્ટ દરમિયાનગીરી નહિ કરે તો તપાસ રફેદફે થઈ જવાનો ભય છે. સાક્ષીઓને બિનજરૂરી સમન્સ પાઠવી હેરાન કરાય છે. સમન્સ બંધ કરાવવા સીબીઆઈમાંથી જ નાણાં ઉઘરાવાય છે. તટસ્ત તપાસને દબાણ લાવી અવળે રસ્તે ચઢાવી દેવાય છે. નિષ્પક્ષ અધિકારીઓને ધમકી આપી દંડવામાં આવી રહ્યાં છે.
પોતાની અરજીમાં સિન્હાએ દાવો કર્યો છે કે, અસ્થાના સામે એફઆઈઆરની તપાસ ટીમમાંથી બાહર લઈ જવા તેમની નાગપુરમાં ટ્રાન્સફર કરાઈ હતી. હાલ તેઓ નાગપુરના એસીબી બ્રાન્ચના વડા તરીકે ફરજ બજાવે છે.
તો બીજી તરફ, હરીભાઈ ચૌધરીએ પણ પોતાના પર લાગેલા આ ઓરોપોને નકારી કાઢતા કહ્યું કે, જો તેમના પર આ આરોપો સિદ્ધ થશે તો પોતે રાજનીતિ છોડી દેશે. હૈદરાબાદના કોઈ બિઝનેસમેનને તેઓ ઓળખતા નથી. ઉલ્લેખનીય છે કે, હરીભાઈ પીએમ મોદીના વિશ્વાસુ નેતાઓમાંના એક ગણાય છે. આ કારણે તેઓ સતત મોદીની ચોઈસમાં રહેતા હોય છે. આ કારણે જ કેન્દ્રમાં ભાજપની સરકાર બની એટલે તેમને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રાલયનો વિભાગ આપવામાં આવ્યો. આ ઉપરાંત હરીભાઈ સંઘના ખાસ વ્યક્તિ ગણાય છે. તેથી તેમને હંમેશાથી લોકસભાની ટિકીટ આપવામાં આવે છે.