ગુજરાતના માથે વાવાઝોડા બિપરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે એક રાહતની વાત એ પણ છે કે આ વાવાઝોડાની કેટેગરી પાછી બદલાઈ છે. બિપરજોય હવે એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. પરંતુ આમ છતાં તેની અસરની સંભાવના હજી પણ યથાવત છે. સાયક્લોન હાલ પોરબંદરથી 290 કિમિ , દેવભૂમિ દ્વારકાથી 300 કિમિ , જખૌ થી 360 કિમિ અને નલિયા થી 370 કિમિ દૂર છે. 13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ બધા વચ્ચે હજુ પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વાવાજોડું બિપરજોય થોડા સમય પહેલા ગુજરાતની હચમચાવી નાખનારા તૌકતે વાવાઝોડા જેટલી જ તારાજી સર્જે તેવી શક્યતા છે. વર્ષ 2021માં આવેલું તૌકતે નામનું વાવાઝોડું ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કરી ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિપરજોય નામનું આ વાવાઝોડું તૌકતે જેવું જ ભયાનક હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક મનોરમા મોહન્તિએ જણાવ્યું હતું. અત્રે જણાવવાનું કે વર્ષ 2021માં આવેલા આ વાવાઝોડાએ ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કર્યું હતું. તે સમયે મે મહિનામાં અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું સર્જાયું હતું અને 17મી મેના રોજ ગુજરાતના ઉના અને વેરાવળના દરિયાકાંઠા વચ્ચે લેન્ડફોલ થયું હતું. તે વખતે પવનની ઝડપ કલાકના 180 કિમી સુધી  પહોંચી હતી. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદે નુકસાન સર્જ્યું હતું. અંદાજે 45 લોકોએ જીવ પણ  ગુમાવ્યા હતા. તૌકતેએ તે સમયે કૃષિ-બાગાયત, મેરિટાઈમ, પંચાયત, પાણી પૂરવઠો, માર્ગ-મકાન, શહેરી વિકાસ, વન, શિક્ષણ જેવા વિભાગોમાં નુકસાન કર્યું હતું. 23 જિલ્લાઓમાં વિનાશ વેરાયો હતો. 17મીએ ત્રાટકેલા આ વાવાઝોડાએ 28 કલાક સુધી ગુજરાતને ધમરોળ્યું હતું. સૌથી વધુ નુકસાન અમરેલી, ગિર, સોમનાથ, ભાવનગર અને જૂનાગઢમાં જોવા મળ્યું હતું. 


આ વખતે પણ બિપરજોય વાવાઝોડાથી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને કચ્છ વિસ્તારોમાં તારાજી સર્જાય તેવા સંકેતો મળી રહ્યા છે. તૌકતે વખતે પણ હવામાન વિભાગ દ્વારા વેરાવળ જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ મુકાયું હતું. આ વખતે પણ અનેક બંદરો પર 10 નંબરનું સિગ્નલ લાગ્યું છે. 


સાત જિલ્લાઓમાં ગુરુવારે (15 તારીખે) આ પ્રકારનું નુકસાન થઈ શકે


કાચા મકાનો સંપૂર્ણ ધરાશાયી થઈ શકે છે અને પાકા મકાનોને પણ નુકસાન થઈ શકે. આ ઉપરાંત કોઈ પણ ઉડતી વસ્તુ ઉપર મોટું જોખમ., હોર્ડિંગ બોર્ડ, છાપરા ધસી પડી શકે છે. વિજળી અને મોબાઈલ ટાવર ધરાશાયી થઈ શકે. વિજપૂરવઠો ખોરવાઈ શકે. કચ્છ-સૌરાષ્ટ્રના કાંઠાળા તથા નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થાય. ઊભા પાક, છોડવા, વૃક્ષો પડી શકે. હોડી વગેરે  દરિયામાં તણાઈ શકે છે. દરિયાના પાણી જમીન પર ધસીને વસ્તુ, વ્યક્તિને ખેંચી જઈ શકે છે. ભારે વરસાદથી જળબંબાકાર થઈ શકે છે. 


કચ્છ ઉપરાંત આ જિલ્લાઓ પર જોખમ
- કચ્છ
- દેવભૂમિ દ્વારકા
- પોરબંદર
- મોરબી
- જામનગર
- રાજકોટ
- જૂનાગઢ


હવામાન વિભાગ અનુસાર જિલ્લામાં સૌથી વધુ જોખમ
- તારીખ 13મીના સાંજથી 70 કિમી સુધી
- તારીખ 14 જૂને 85 કિમી સુધી
- તારીખ 15 જૂને સવારે 125થી 135 અને મહત્તમ 150 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 
- કચ્છના લખપત, નારાયણ સરોવર, નલિયા, જખૌ, આજુબાજુના વિસ્તારો, ખાવડા સહિત ઉત્તર અને પૂર્વ કચ્છમાં તથા મોરબી, નવલખી માળિયામાં 117-177 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 
- ભૂજ આજુબાજુ વિસ્તારોમાં 88થી 117 કિમીની ઝડપે
- પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લાઓમાં 50થી 90 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાવવાની શક્યતા છે. 



વાવાઝોડું ક્યાં ત્રાટકશે તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ
તીવ્રતાની રીતે જોઈએ તો બિપરજોય વાવાઝોડું વધુ તીવ્ર કહી શકાય અને સીધા તથા  ભારે પવનો તથા પ્રતિ ચક્રવાત સિસ્ટમના કારણે વાવાઝોડું ચોક્કસ રીતે ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ક્યાં ત્રાટકશે તે અંગે ચોક્કસપણે કોઈ પણ આગાહી કરવી હાલ મુશ્કેલ છે. અરબી સમુદ્રમાં 1982થી ચક્રવાતની સંખ્યમાં 52 ટકાનો વધારો થ યો છે અને તીવ્ર ચક્રવાતોમાં 150 ટકાનો વધારો થયો છે. આ જ સમયમાં બંગાળની ખાડીમાં વાવાઝોડામાં 8 ટકાનો ઘટાડો થયો હતો.  ચક્રવાતની તીવ્રતા ચોમાસા પછીની સમયમાં લગભગ 20 ટકા અને ચોમાસા પહેલાના મહિનામાં 40 ટકા જેટલી હતી. 


ગ્લોબલ વોર્મિંગ જવાબદાર
ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાનો સતત અને તીવ્ર બની રહ્યા હોવાનું કહેવાય છે. સમુદ્રના ચક્રવાતો અંગે એક રિસર્ચમાં જણવા મળ્યું કે આ ચક્રવાત અરબી સમુદ્રમાં લાંબા સમય સુધી ટકી રહ્યું છે જેના કારણે આ વાવાઝોડું વધુ તીવ્ર બની રહ્યું છે.