પીડિતાની અરજી હાઈકોર્ટે સ્વીકારી, જયંતિ ભાનુશાળી વિરુદ્ધ કથિત બળાત્કારની ફરિયાદ રદ્દ
સુરતની એક યુવતીએ એડમિશન અપાવવાના બહાને ભાનુશાળીએ તેના પર બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે કથિત બળાત્કારની થયેલી ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી છે. પીડિતાએ ફરિયાદ રદ્દ કરવા માટેની અરજી હાઈકોર્ટે સ્વીકારી લીધી છે. મહત્વનું છે કે, સુરતની એક યુવતીએ જયંતિ ભાનુશાળી પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આ કેસ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જ્યારથી ફરિયાદ થઈ છે ત્યારથી જયંતિ ભાનુશાળી ભૂગર્ભમાં છે. પોલીસે સમન્સ પાઠવ્યું હતું છતા તે એકપણ વખત હાજર થયો નથી. તો આ મુદ્દે પીડિતાએ 3 ઓગસ્ટે હાઈકોર્ટમાં ફરિયાદ રદ્દ કરવા અરજી કરી હતી. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, હજુ વિચારો લો અને સુનાવણી સાત ઓગસ્ટ સુધી સ્થગિત રાખી હતી.
પીડિતાએ શું કહ્યું હતું? જાણવા અહીં ક્લિક કરો
આજે કોર્ટમાં સરકારી વકીલે કહ્યું કે, પીડિતાની જુબાની પોલીસ દ્વારા લેવામાં આવી છે. તો ભાનુશાળીના વકીલે કહ્યું કે, પીડિતાએ ફરિયાદ પરત લેવા માટે અરજી કરતા હવે ભાનુશાળી વિરુદ્ધ ફરિયાદ રદ્દ કરવામાં આવે. ત્યારે પીડિતાની અરજીને ધ્યાનમાં લઈને હાઇકોર્ટે ભાનુશાળી વિરુદ્ધ ફરિયાદ રદ્દ કરી દીધી છે.
શું હતો મામલો?
ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી સામે સુરતની પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ભાનુશાળીએ ફેશન ડિઝાઇનિંગમાં પ્રવેશ અપાવવાના બહાને કારમાં તથા અમદાવાદની હોટલમાં પીડિતા સાથે દુષ્કર્મ આચર્યુ હતું તેમજ પીડિતાનો અશ્લીલ વીડિયો મોબાઇલમાં ઉતારી લઇ બ્લેકમેલિંગ પણ કર્યુ હતું. જે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પણ ભાનુશાળીએ વારંવાર પીડિતાનું શારીરિક શોષણ કર્યુ હતું.