જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલના ઔદ્યોગિક નગર ગણાતા હાલોલના રહીશો ચોરીની સતત બનતી ઘટનાઓથી એટલા ત્રસ્ત અને ભયભીત છે. છેલ્લા અંદાજિત 15 દિવસ ઉપરાંતના સમયથી નગરમાં રહીશો જાતે જ રાત્રિ દરમિયાન ફરી સોસાયટીની સુરક્ષા કરવા મજબૂર બન્યા છે. હાલોલની વિવિધ સોસાયટીઓમાં રહીશો રાત્રિ દરમ્યાન હાથમાં ડંડા સહિતના હથિયારો સાથે રાત્રિ દરમ્યાન ફેરી લગાવી આત્મરક્ષા કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલોલ નગરની સરદાર નગર, શ્રીજી સોસાયટી, અયોધ્યા નગર અને રણછોડ નગર ફેમસ વિસ્તારો છે. આ વિકસિત અને મોટી સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોર અને તસ્કર ટોળકીઓએ આતંક મચાવ્યો છે. આ ચોરો દિવસ દરમ્યાન રેકી કરી રાત્રિના બંધ મકાનોને નિશાનો બનાવી તેમાં ચોરી કરી ફરાર થઇ જાય છે. તસ્કરો માટે આ સોસાયટીઓમાં જાણે ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચોરી, મકાનોના તાળા તોડવાની ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા. 


આ પણ વાંચો : રાત રંગીન કરવા રાજકોટમાં યુવક હોટલ જઈ પહોંચ્યો, કોલગર્લ તો ન આવી પણ 1 લાખ ગુમાવી દીધા 


લગ્ન પ્રસંગે રાજસ્થાન ગયેલ એક પરિવારના મકાનને ટાર્ગેટ બનાવી તેમાંથી લાખોની મતા ચોરી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ચોર ટોળકીને ફાવટ આવી ગઈ હોય તેમ દરરોજ કોઈકને કોઈક ઘરને પોલીસના કોઈ ડર વિના જ બેફીકર થઇ નિશાન બનાવતા હતા. સતત ચોરીની ઘટનાઓને લઇ પોલીસે આ વિસ્તાર માં પેટ્રોલિંગ તો વધાર્યું છે, પણ તે નિરર્થક છે. કારણ કે ચોર ઈસમોને પોલીસનો ડર જ નથી. પોલીસનું પેટ્રોલિંગ હોવા છતાં તાળા તૂટવાની ઘટના બંધ ન થતા આખરે સોસાયટીઓના રહીશોએ જાતે જ પોતની સુરક્ષા કરવાનું નક્કી કર્યું છે. 



સરદાર નગર, શ્રીજી સોસાયટી, અયોધ્યા નગર અને રણછોડ નગર અને આસપાસના વિસ્તારમાં અંદાજીત 350 કરતા વધુ મકાનો આવેલા છે. અહી અંદાજીત 2000 કરતા વધુ રહીશો વસવાટ કરે છે. ચોરીની સતત બનતી ઘટનાઓથી છુટકારો મેળવવા માટે પોલીસના ભરોસે ન બેસી રહી રહીશોએ આયોજનબદ્ધ રીતે આખી રાત્રિ દરમ્યાન જાતે જ ફેરી કરવાનું નક્કી કર્યું છે. એક સપ્તાહની શિફ્ટ પ્રમાણે 25 વ્યક્તિઓના અલગ અલગ ગ્રુપ બનાવી લગભગ 200 થી વધુ લોકો પોતાના વારા પ્રમાણે હાથમાં લાકડી અને ડંડા સાથે સોસાયટીઓમાં ફેરી લગાવે છે. આમ સુરક્ષા બાબતે અન આત્મનિર્ભર બની પોતાની સુરક્ષા જાતે જ કરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારીને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ હાલોલના રહીશો કરી રહ્યા છે.