વાવાઝોડમાં કાર્યરત થયા હેમ રેડિયો, જેનો મોરબી હોનારતમાં મહત્વનો રોલ રહ્યો હતો
ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ અમેચ્યોર રેડિયો (GIOAR) સંસ્થા ગાંધીનગર દ્વારા વાયુ વાવાઝોડા સંદર્ભમાં ઉભી થયેલ પરિસ્થિતિના સંદર્ભમાં રાજ્યમાં જામનગર પોરબંદર વેરાવળ અને રાજકોટ ખાતે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે.
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ અમેચ્યોર રેડિયો (GIOAR) સંસ્થા ગાંધીનગર દ્વારા વાયુ વાવાઝોડા સંદર્ભમાં ઉભી થયેલ પરિસ્થિતિના સંદર્ભમાં રાજ્યમાં જામનગર પોરબંદર વેરાવળ અને રાજકોટ ખાતે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે.
ગાંધીનગર ખાતે એક હેમ રેડીયો કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યું છે. દરેક સ્ટેશન ખાતે ૩ થી ૪ હેમ રેડિયો ઓપરેટર સતત ફરજ બજાવી રહ્યા છે. આ સ્ટેશનો અંતરિયાળ ગામોની સતત બદલાતી રહેતી પરિસ્થિતિથી સ્થાનિક સત્તાવાળાઓ તથા જિલ્લા કલેકટરને વાકેફ કરી રહ્યા છે. આ રેડિયો સ્ટેશનો સાથે ગાંધીનગર તથા અમદાવાદ ખાતે રહેતા હેમ રેડિયો ઓપરેટર સતત સંપર્કમાં છે. ગાંધીનગર ખાતેથી આ પ્રવૃતિનું સમગ્ર સંચાલન પ્રવીણ વલેરા કરી રહ્યા છે. અમદાવાદથી કરંજિયા અને અન્ય હેમ રેડિયો ઓપરેટર પણ સતત સંપર્કમાં છે. દરેક સ્ટેશને 3થી 4 હેમ રેડિયો ઓપરેટર ફરજ પર હાજર છે અને વાવઝોડા દરમિયાન અને વાવઝોડા પછી અંતરિયાળ ગામની સ્થિતિથી વાકેફ કરવામાં આવશે. તંત્ર અને કલેક્ટરને પણ સ્થિતિથી વાકેફ કરવામાં આવશે. GIOARએ સ્થિતિને જોતાં રેડિયો સ્ટેશન ઊભા કર્યાં.
સૌથી મોટા સમાચાર, ‘વાયુ’એ દિશા બદલી, હવે નહિ ટકરાય ગુજરાતમાં
શું છે હેમ રેડિયો
ઉલ્લેખનીય છે કે, હેમ રેડિયો એક હોબી હોય છે. તેને ક્યારેય નાણાકીય ફાયદા માટે ઉપયોગ કરાતો નથી. હેમ રેડિયોને સરળ શબ્દોમાં એમેચ્યોર રેડિયો કહેવાય છે. જેમાં રેડિયો અને તેનો ઓપરેટર સામાજિક કાર્યોમાં હેમ રેડિયાનો ઉપયોગ કરતા હોય છે. હેમ રેડિયો ઓપરેટર્સ સામાન્ય રીતે એકબીજા સાથે રેડિયો પર વાતચીત કરવાનું પસંદ કરે છે. દુર્ઘટનાઓ અને કુદરતી આપદાઓ દરમિયાન કે અન્ય સંચાર સાધનો ખરાબ થઈ જાય તો આવી સ્થિતિમાં પોતાના સ્થાનિક ક્ષેત્રોની મદદ કરે છે. હેમ રેડિયો ઓપરેટર્સ પબ્લિક બ્રોડકાસ્ટ કરી શક્તા નથી. એનો મતલબ એ કે, હેમ રેડિયો ટ્રાન્સમિશનને અન્ય હેમ રેડિયો ઓપરેટર જ પ્રાપ્ત થઈ શકે છે. એક શોર્ટવેવ રેડિયો પર તમે હેમ રેડિયો બેન્ડ સાંભળી શકો છે, પરંતુ તેના પર એક હેમ ઓપરેટરની બીજા હેમ ઓપરેટર સાથે વાતચીત જ સાંભળવા મળશે. તેના પર સંગીત કે અન્ય રેડિયો પ્રોગ્રામ ન પબ્લિશ કરી શકાય. હેમ રેડિયો ઓપરેટરને તેમના કોલ સાઈનથી ઓળખવામાં આવે છે. આ કોલ સાઈનમા એક એન્ટ્રી કોડ અને એક યુનિક આઈડેન્ટીફિકેશન નંબર હોય છે, જે કેન્દ્રીય નિયામક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે.
રાજ્યના તમામ બંદરો પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, 2.75 લાખથી વધારે લોકોનું સ્થળાંતર
મોરબી હોનારતમાં કામ લાગ્યો હતો હેમ રેડિયો
વર્ષ 1979માં આવેલી મોરબીના મચ્છુ ડેમની હોનારતમાં હેમ રેડિયોએ સરકાર તેમજ લોકોની વચ્ચે સંપર્ક સૂત્ર બનાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મૃતકોના પરિવારજનોને માહિતી આપવા, પૂરથી લોકોને બચાવવા, રાહત કાર્યમાં, દવા-ભોજનની વ્યવસ્થા કરવામાં સંપર્ક સૂત્રના રૂપમાં હેમ રેડિયો બહુ જ કામમાં આવ્યું હતું. તેના બાદ પાકિસ્તાનના હેમ રેડિયોએ સૂચના આપી હતી કે, ભારતમાંથી કેટલીક લાશ પાકિસ્તાનમાં સમુદ્રથી વહીને પહોંચી છે. ત્યારે માલૂમ પડ્યું હતું કે, આ ઘટના કેટલી હદે ભયાનક હતી.