પ્રેમલ ત્રિવેદી/પાટણ: મહિલા દિવસે વિશ્વની સૌ મહિલાઓને ઝી 24 કલાકના વંદન...વિશ્વમાં આજે એવી અનેક મહિલાઓ છે જેઓ પુરૂષની સમાવડી બનીને કામ કરી રહી છે. હિમાલયને પણ આંબી ગઈ છે. ઉદાહરણ આપીએ તો અનેક છે. શહેર અને સેલિબ્રિટી મહિલાઓની તો ઘણી વાતો થાય છે. ટીવીની ચમકતી દુનિયામાં તેઓ ચારેકોર દેખાય છે. પરંતુ આજે અમે વાત કરીશું ગામડાની અભણ, અશિક્ષિત એક એવી મહિલાની..જેણે પોતાના કામ અને કર્મથી કાંઠુ કાઢ્યું છે. આ એવી મહિલા જેની સામે મજબૂત પુરૂષ પણ ફીકો પડી જાય છે. ત્યારે કોણ છે આ મહિલા? શું કરી રહી છે તે કામ?


  • મહિલા દિવસે આ માતૃશક્તિને વંદન

  • પરિવારને સંકટમાંથી ઊગારી લીધું

  • પતિના વ્યવસાયમાં જોડાઈ શરૂ કરી કાળી મજૂરી

  • ઘર કામની સાથે શરૂ કર્યો અથાગ પરિશ્રમ

  • પરિવારની આર્થિક સ્થિતિ પર બની ગઈ ઢાલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. પરંતુ આ કહેવતને જો એ રીતે કહીએ તો જરા પણ ખોટું નથી કે અડગ મનની મહિલાને હિમાલય પણ નડતો નથી. મહિલા દિવસે આવી જ મહિલાઓને વંદન કરવા જોઈએ. કારણ કે તેમણે જે કામ પસંદ કર્યું છે તે કોઈ કાચી પોચી મહિલા નથી કરી શકતી. મજબૂત અને મક્કમ નિર્ણય હોય ત્યારે જ આ ધંધામાં આવી શકાય છે. પાટણ જિલ્લાના કુણઘેર ગામમાં રહેતા હંસાબેન રાવળ પરિવાર પર આવી પડેલા આર્થિક સંકટ સામે ટકરાઈ ગયા અને એવા ટકરાયા કે સંકટે હારવું પડ્યું.


હંસાબેન રાવળની કહાની ખુબ જ દર્દભરી છે. હંસાબેન જે કામ કરી રહ્યા છે તેના જ કારણે પતિ અને સંતાનોનું પેટ ભરાય છે. વાહનોના ટાયર પંચરના કામમાં કોઈ મહિલાઓ હોતી નથી પરંતુ હંસાબેન બધી મહિલાથી અલગ છે. ગામમાં પતિએ ઘરના ભરણપોષણ માટે ટાયર પંચરને વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ સમય જતાં પરિવાર પર મોટું સંકટ આવી ગયું. પતિ સુરેશભાઈ રાવળને હાથ પર નસમાં બ્લોકેજ નીકળ્યું...અને તેના કારણે તેઓ કામ કરી શકે તેમ ન હતા...હવે ઘર કેવી રીતે ચલાવું તે પ્રશ્ન આવી ગયો. પતિથી કામ થઈ શકે તેમ નહતું. ત્યારે ઘરમાંથી બહાર નીકળી હંસાબેને દ્રઢ નિર્ધાર સાથે પતિનો વ્યવસાય સંભાળી લીધો...અને જે કામ પતિ કરતાં હતા તે કામ તેમણે શરૂ કર્યું. અને આખા પરિવારને મોટા સંકટમાંથી ઉગારી લીધું.


  • મહિલા દિવસે માતૃશક્તિને વંદન 

  • ટાયર પંચરનું કામ કરતા હંસાબેન રાવળ

  • પરિવારને આર્થિક સંકટમાંથી ઉગાર્યો 

  • પતિના ધંધાને બનાવી દીધો પોતાનો

  • ગામડાની અભણ મહિલાને સલામ

  • ઘર કામની સાથે શરૂ કર્યો અથાગ પરિશ્રમ


હંસાબેન શિક્ષિત કે ભણેલા ગણેલા નથી. પરંતુ આજે શિક્ષિત મહિલાઓ જેટલું કમાય તેનાથી સારુ તેઓ કમાઈ રહ્યા છે. ટાયર પંચરના વ્યવસાયમાં થોડા ઘણા ટેક્નિક જ્ઞાનની જરૂર પડે છે. આ બધુ જ તેમણે ધગશથી પતિ પાસેથી શીખી લીધું અને હાલ એટલી કુશળતા મેળવી લીધી છે કે કોઈ પણ વાહન હોય તેઓ એક ઝટકે તેનું કામ કરી દે છે. અને આ કામ તેઓ આજકાલથી નહીં પરંતુ છેલ્લા 18 વર્ષથી કરી રહ્યા છે. અને પોતાના બે બાળકોને શિક્ષિત કર્યા સાથે સાથે પતિની પણ સારવાર શરૂ કરાવી છે. હંસાબેનની આ કુશળતાને કારણે વાહનચાલકો પણ તેમને એક અલગ સન્માન આપે છે. 


મહિલા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે. આજના દિવસ વિશ્વમાં ખ્યાતિ મેળવનારી અને શહેર તથા સેલિબ્રિટી મહિલાઓની તો અનેક વાતો થાય છે. પરંતુ સામાન્ય ગામડાની અભણ માતાઓ ક્યારે ટીવી અને સોશિયલ મીડિયાની ચમકતી દુનિયામાં દેખાતી નથી. અને તેથી જ ઝી 24 કલાકે ખાસ ગામડાની આ અભણ માતાની કહાની આપને બતાવી છે. ત્યારે આજના દિવસે હંસાબેન જેવી મહિલાઓને ઝી 24 કલાકના વંદન.