• માતાની માંદગીને કારણે પિતાને હોસ્પિટલમાં રહેવુ પડ્યુ અને કિશોર વયના હર્ષ સંઘવીને હીરાના કારખાનાની જવાબદાર ઉપાડવી પડી

  • પરિવારની જવાબદારીને કારણે તેમણે ધોરણ-8 પછીનું શિક્ષણ પડતુ મૂક્યુ, નાનકડી વયે જ રાજકારણનો ચસ્કો લાગ્યો 

  • હર્ષ સંઘવીની સિગારેટની લત નરેન્દ્ર મોદીએ છોડાવી હતી, જેથી ગૃહરાજ્યમંત્રી બન્યા બાદ સૌથી પહેલા યુવાનોને ડ્રગ્સથી બચાવવા અભિયાન ઉપાડ્યું


બ્રિજેશ દોશી/ગાંધીનગર :સપ્ટેમ્બર 2021માં ગુજરાતના સૌથી યુવા ગૃહ રાજયમંત્રી (home minister) બનેલા હર્ષ સંઘવી (Harsh Sanghvi) નો આજે 37 મો જન્મદિવસ છે. ચાર બહેનોના લાડકવાયા ભાઈ હર્ષ સંઘવીનો જન્મ 8 ડિસેમ્બર 1985 માં થયો. મૂળ જુના ડીસાના જૈન પરિવારમાં જન્મેલા હર્ષ પરિવારના લાડકવાયા દીકરા છે. તેમના પિતા રમેશભાઈ સંઘવી હીરાના કામ અર્થે ડીસાથી સુરત સ્થાયી થયા અને ત્યાં જ પ્રગતિ કરી. હીરાનું કારખાનું (ગિરનાર કોર્પોરેશન) ચલાવતા રમેશભાઈ સંઘવીના ઘરે હર્ષનો જન્મ થયો. ચાર બહેનો વચ્ચે એક જ ભાઈ હોવાથી સૌથી લાડકવાયો રહ્યો. પહેલેથી હર્ષ રમતિયાળ હતો તેવું તેમને નજીકથી ઓળખતા લોકોનું કહેવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ અભ્યાસ અધુરો છોડ્યો? 
ગૃહ રાજયમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી વિશે કોઈ વિવાદ ઉભો થયો હોય તો તે તેમના ભણતર અંગે થયો. હર્ષ સંઘવીએ પોતાના એફિડેવિટમાં 8 ધોરણ પાસ હોવાનું દર્શાવ્યું છે, જેના કારણે આ વિવાદ ઉભો થયો. સુખી સંપન્ન પરિવારમાં જન્મેલા અને બંને મોટી બહેનો ઉચ્ચ શિક્ષિત હોવા છતાં હર્ષ સંઘવીએ કેમ 8 ધોરણ બાદ ભણતર છોડ્યું તે આજે પણ એક સવાલ છે. તેમના પરિવારના સભ્યોની વાત માનીએ તો તે સમયે તેમના માતા બીમાર હતા અને મુંબઈમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેના કારણે પિતા પણ મુંબઈ રહેતા હતા અને કિશોર વયના હર્ષે કારખાનામાં જવાનું શરૂ કર્યું. ત્યારબાદ પિતાનો સમગ્ર વ્યવસાય સાંભળી લીધો અને સફળતાપૂર્વક ચલાવ્યો. જેના કારણે અભ્યાસ છૂટી ગયો જો કે હવે તેમણે ફરી આ માટે તૈયારી શરૂ કરી છે. 


રાજકારણમાં કેવી રીતે પ્રવેશ થયો? 
અભ્યાસ છોડ્યા બાદ જ હર્ષ સંઘવીને રાજકારણમાં આવવાની ઈચ્છા હતી, જ્યાં તેમનો પરિચય સંઘના સ્વયંસેવક જયદીપભાઈ ત્રિવેદી સાથે થયો. જયદીપભાઈ તે વખતે સુરતમાં સંઘના પ્રચાર વિભાગ સહિત અલગ અલગ જવાબદારી નિભાવતા હતા. હર્ષ સંઘવીના પિતાએ પણ જયદીપભાઈને હર્ષ સંઘવીને યોગ્ય જગ્યાએ કામ કરાવવાનો આગ્રહ કર્યો હતો. સૌથી પહેલા 2003-04માં ડાંગમાં આયોજિત શબરી કુંભમાં મીડિયા સંકલનની જવાબદારી સોંપવામાં આવી હતી. જે સફળતાપૂર્વક નિભાવી. ત્યારબાદ ગૌ ગંગા યાત્રામાં પણ સુરતના મીડિયા કન્વીનર તરીકે કામ કર્યું અને સફળ રહ્યા. 


ગુજરાતમાં નર્મદા આંદોલનમાં મેઘા પાટકર સામે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન હતું, જેમાં હર્ષ સંઘવીના પિતાના કારખાનેથી રેલીની શરૂઆત કરી અને સુરત રેલવે સ્ટેશન પાસે સૂત્રોચ્ચાર અને મેઘા પાટકરના પૂતળાનું દહન કર્યું. આ સફળ કાર્યક્રમથી સુરતમાં હર્ષ સંઘવીની રાજકીય શરૂઆત થઈ. 


NCP માટે યોજ્યો કાર્યક્રમ 
NCP નેતા પ્રફુલ પટેલ જ્યારે યુપીએ 1 માં ઉડ્ડયન મંત્રી હતા ત્યારે સુરતમાં તેમના કાર્યક્રમનું હર્ષ સંઘવીએ આયોજન પણ કર્યું હતું. સુરતના સ્થાનિક અગ્રણી નારણભાઈના સંપર્કમાં તેઓ હતા અને તેના કારણે NCP માટે કાર્યક્રમો કર્યા હતા તેના પછી જયદીપભાઈ તેને સંઘમાં પાછા લાવ્યા. 


ભાજપ યુવા મોરચામાં પ્રવેશ 
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ યુવા મોરચાને મજબૂત કરી યુવાનોને ભાજપ સાથે જોડવા અભિયાન હાથ ધર્યું. તે દરમિયાન હર્ષ સંઘવીએ ભારત સુરક્ષા યાત્રામાં સામાન્ય કાર્યકર તરીકે કામ કર્યું હતું. પ્રદીપસિંહ વાઘેલા સાથે યાત્રાની જવાબદારી સફળતા પૂર્વક નિભાવી હતી. જે બાદ વર્ષ 2010માં પ્રદીપસિંહ વાઘેલા યુવા મોરચાના પ્રમુખ બન્યા અને તેમની ટીમમાં હર્ષ સંઘવીને પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી આપી. યુવા મોરચાના પ્રભારી સીઆર પાટીલ સાથે પણ સતત સંપર્કમાં રહીને કામ કર્યું. ત્યારબાદ તેમણે રાજકીય જીવનમાં સતત સફળતા મેળવી અને પ્રગતિ કરી. 2010-11 માં જ શ્રીનગરમાં ભાજપ યુવા મોરચાની તિરંગા યાત્રામાં પ્રદીપસિંહ વાઘેલા સાથે લાલ ચોકમાં તિરંગો ફરકાવવા દરમિયાન પોલીસનો માર પણ ખાધો અને રાજકીય ઓળખ પણ મેળવી. ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંપર્ક સતત વધતો રહ્યો અને મહત્વની જવાબદારીઓ સુપેરે પાર પાડી. વર્ષ 2012માં 27 વર્ષની વયે પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય પણ બન્યા. ધારાસભ્ય બન્યા બાદ સતત પ્રજા વચ્ચે કામ કર્યું અને બીજીવાર ટીકીટ મેળવીને ધારાસભ્ય બન્યા. કોરોનાની બીજી લહેરમાં પણ લોકસેવા કરી અને કોવિડ હોસ્પિટલ તૈયાર કરી. ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચામાં પણ સતત 2 ટર્મ મહામંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી. પ્રધાનમંત્રી મોદીના અનેક વિદેશ પ્રવાસમાં પણ તેમણે પડદા પાછળ મહત્વની ભૂમિકા ભજવી છે. 


હર્ષ સંઘવીની સિગરેટની લત પીએમ મોદીએ છોડાવી હતી 
હર્ષ સંઘવી ગૃહરાજ્યમંત્રી બન્યા બાદ ડ્રગ્સ રેકેટ સામે સફળ અભિયાન ચલાવ્યું જેની પાછળ તેમની પ્રેરણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા. હર્ષ સંઘવીને સિગારેટની લત હતી જે નરેન્દ્ર મોદીએ છોડાવી હતી અને તેના કારણે ગૃહરાજ્યમંત્રી બન્યા બાદ સૌથી પહેલા તેમણે યુવાનોને ડ્રગ્સથી બચાવવા અભિયાન ઉપાડ્યું અને સફળ રહ્યું. 


વિધાનસભા 2022 નો પડકાર 
આગામી દિવસોમાં પણ હજી અનેક પડકારો તેમની રાહ જોઈ રહ્યાં છે, જેમાં સૌથી મોટી જવાબદારી વર્ષના અંતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં પક્ષના મિશન 182 ને સાકાર કરવા મહત્વનો ભાગ ભજવવો પડશે તો સાથે પોલીસકર્મીઓના ગ્રેડ પેના આંદોલન, ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા અને સફળ આયોજનો પણ તેમણે પાર પાડવા પડશે.