વડોદરા : ગુજરાતમાં ક્રિકેટનો માહોલ જામ્યો છે, રવિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલની ફાઇનલ મેચ રમાનાર છે, ત્યારે ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાના વડોદરામાં રહેતા તેમના મોટાભાઈ સમાન ઋષિ વાડિયાએ હાર્દિક અને તેમની ટીમને ફાઇનલ મેચ જીતવા માટે શુભેચ્છાઓ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટર હાર્દિક પંડ્યા મૂળ વડોદરાનો વતની છે, વડોદરામાં જ તેનું નાનપણ વીત્યું છે. વડોદરામાં જ તે ક્રિકેટ રમતા રમતા મોટો થયો છે. હાર્દિકના મોટાભાઈ સમાન ઋષિ વાડિયાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે હાર્દિક પંડ્યાએ સૌપ્રથમ 6 વર્ષની ઉંમરે બેટ પકડ્યું હતું. હાર્દિક પંડ્યા અને તેનો મોટોભાઈ કૃણાલ પંડ્યા બંને કે.જી. સેકશનમાં એક ખાનગી શાળામાં મણતા હતા. તે સમયે ઋષિ વાડિયાના પિતાને હાર્દિકના પિતા હિમાંશુભાઈ પંડ્યાએ કૃણાલ પંડ્યાને ક્રિકેટ રમવાની પ્રેક્ટિસ માટે સ્કુલનું મેદાન વાપરવા મંજૂરી માંગી હતી. જે રમવા મંજૂરી આપી હતી. ત્યારબાદ કૃણાલને ક્રિકેટ રમતા જોતાં હાર્દિકને પણ ક્રિકેટ રમવાની ઈચ્છા થઈ હતી. 


જેથી હાર્દિકના પિતા હિમાંશુભાઈ પંડ્યાએ સૌપ્રથમ વખત હાર્દિકની ઉંમર 6 વર્ષની હતી ત્યારે ક્રિકેટ બેટ પકડાવ્યું. તેને સ્કૂલના મેદાનમાં જ ક્રિકેટ રમાડતા હતા. ત્યારબાદ હાર્દિક પંડ્યાનો પરિવાર સુરત શિફ્ટ થઈ ગયો, જે બાદમાં ફરીથી વડોદરા ફર્યો અને ગોરવા વિસ્તારમાં રહેવા લાગ્યો. જ્યાં હાર્દિક અને કૃણાલ બંનેએ કિરણ મોરે ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ શીખવાનું શરૂ કર્યું. ઋષિ વાડિયા વધુમાં કહે છે કે હાર્દિક પંડ્યાનું પ્રથમ વખત આઈપીએલ ટીમમાં અને ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેકશન થયું તે સમયે હાર્દિક તેમના ઘરે જ રહેતો હતો. 


હાર્દિકના પરિવાર અને ઋષિ વાડિયાના પરિવાર વચ્ચે 25 વર્ષથી પારિવારિક સંબંધો છે. હાર્દિક અને કૃણાલના લગ્ન પ્રસંગમાં પણ ઋષિ વાડિયાનો પરિવાર સાથે રહ્યો. ઋષિ વાડિયા હાર્દિક સાથે પોતાનો એક અનુભવ શેર કરતાં કહે છે કે 26-1-2016માં ઓસ્ટ્રેલિયામાં એડીલેટ સ્ટેડિયમમાં હાર્દિકની કરિયરની પહેલી ટી-20 મેચ હતી, ત્યારે તે હાર્દિક સાથે ઓસ્ટ્રેલિયા ગયા હતા. પહેલી મેચમાં હાર્દિક પોતાના મિત્ર ઋષિ સાથે ઓસ્ટ્રેલિયામાં સાંજે 4 વાગ્યા સુધી બહાર ફરતો હતો, ટીમમાં પ્લેયિંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહિ તેની બિલકુલ ચિંતા ન હતી, બાદમાં ખબર પડી કે તે પ્લેયિંગ ઇલેવનમાં છે. તેમ છતાં હાર્દિક બિન્દાસ્ત રહ્યો. હાર્દિક હંમેશા નિશ્ચિત રહે છે, ચિંતામાં નથી રહેતો. સાથે જ તે ખૂબ મહેનત કરે છે અને આત્મવિશ્વાસથી ભરેલો છે એટલે ક્રિકેટમાં સફળ થયો છે. ઋષિ વાડિયા વધુમાં કહે છે કે હાર્દિકને લક્ઝરિયસ ગાડીઓનો ખુબ શોખ છે, જ્યારે પણ ઋષિ મુંબઈ જાય છે ત્યારે હાર્દિક તેની મોંઘીદાટ કારમાં તેને ફરાવે છે.