હાર્દિક હવે સરકાર સામે ઉપાવાસાસ્ત્ર ઉગામશે : તમામ સવર્ણોને એક થવા હાકલ
હાર્દિકે કહ્યું અનામતના કારણે બિનઅનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને ખુબ જ તકલીફ પડે છે
અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનને 25 ઓગષ્ટે 3 વર્ષ પુરા થવા જઇ રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલે પોતે આમરણાંત ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી હતી. જેમાં તેણે પોતાનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટ અને ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજીને જીએમડીસી પાર્ટ ટુ માટે તૈયાર રહેવા માટે હાંકલ કરી હતી. હાર્દિકે સમાજનાં લોકો અને તમામ સવર્ણોને આ આંદોલન અને ઉપવાસમાં જોડાવા માટે અપીલ કરી હતી.
હાર્દિક પટેલે પોતાનાં ફેસબુક પેજ પર લાઇવ કરીને જણાવ્યું કે, 25 ઓગષ્ટ 2018ને પાટીદાર ક્રાંતિ દિવસથી સમાજની માંગણીઓ મુદ્દે ઉપવાસ પર ઉતરીશ. જીવ જાય ત્યાં સુધી અનામત આપવા અંગે સરકાર વલણ સ્પષ્ટ નહી કરે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે. ગુજરાતમાંથી લાખો લોકો મારો સાથ આપશે અને અસંખ્ય લોકો મને સહયોગ આપવા માટે એક દિવસનો પ્રતિક ઉપવાસ પણ કરશે. રોજ એક વ્યક્તિ સરકારને અનામત્ત મુદ્દે જગાડવા માટે મુંડન કરાવશે.
હાર્દિકના ઉપવાસમાં બાંભણીયા પણ જોડાશે
બીજી તરફ પાસના પુર્વકન્વીનર અને હાર્દિકનો સાથ છોડી ચુકેલ દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, હાર્દિકના અનામત ઉપવાસને મારૂ સમર્થન છે. હું અનામતની લડાઇમાં હાર્દિકની સાથે ઉપવાસમાં જોડાઇશ. મને આશા છે કે આ લડાઇ કોઇ રાજકીય પાર્ટીનુ મંચ નહી બને પરંતુ સમાજની લડાઇ માટેનુ મંચ બનશે.