અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે 15મો દિવસ છે. હાલ તે એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને હવે તેણે ફરી પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાર્દિક આવતીકાલે હોસ્પિટલમાંથી રજા લઈને પોતાના નિવાસસ્થાને જવા માગે છે. જોકે, પાસના સભ્ય નિખિલ સાવાણીએ આવી કોઈ બાબત અંગે નિર્ણય ન લેવાયો હોવાનું જણાવ્યું છે. ડોક્ટરો દ્વારા એક દિવસ વધુ હોસ્પિટલમાં રોકાઈને તબિયત સુધારા પર લાવવા જણાવ્યું હોવાનું પાસ સમિતિએ જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, હાર્દિક પટેલે જનતા દળ(યુ)ના પૂર્વ પ્રમુખ શરદ યાદવના હાથે પાણી પીધું હતું. આ અંગે નિખિલ સાવાણીએ જણાવ્યું કે, સવારથી જ હજારો લોકોનાં પાણી પીવા અંગે ફોન આવતા હતા અને ડોક્ટરોની પણ વિનંતીને ધ્યાનમાં રાખીને હાર્દિકે પાણી પીવા અંગે શરૂઆત કરી હતી. આજે, શરદ યાદવ ઉપરાંત ડીએમકેને એ. રાજા, સ્વામી અગ્નિવેશે પણ હાર્દિકની મુલાકાત લીધી હતી.


ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શુક્રવારે હાર્દિકે બપોર બાદ પોલીસ સમક્ષ હોસ્પિટલમાં દાખલ થવા વિનંતી કરી હતી. ત્યાર બાદ તેને સોલા સિવિલ લઈ જવાયો હતો. ત્યાં પ્રાથમિક ઉપચાર બાદ પાસ સમિતિ દ્વારા સરકાર પર વિશ્વાસ ન હોવાનું જણાવીને હાર્દિકને એસજી હાઈવે ખાતે આવેલી એસજીવીપી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં, મોડી રાત્રે તેનાં વિવિધ રિપોર્ટ થયા બાદ તેની સારવાર શરૂ કરાઈ હતી.


એક કલાક અગાઉ હાર્દિકે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, જે લોકો મને પ્રેમ કરે છે અને જીવતો જોવા માગે છે તેમના માટે હું પ્રાણ આપી શકું એમ છું, પરંતુ હું તેમના માટે નહીં મરીશ જેઓ મને મારવા માગે છે. 


હાર્દિકના ઉપવાસનો 15મો દિવસ: શરદ યાદવના હસ્તે હાર્દિકે પીધુ પાણી


બીજી તરફ આવતીકાલે ખોડલધામના નરેશ પટેલ અને સરકાર વચ્ચે બેઠક થાય એવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે. સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિ સાથે નરેશ પટેલ વચ્ચે મિટિંગ થાય એવી હાલ ચર્ચા ચાલી રહી છે. 


હાર્દિક પટેલ દ્વારા હોસ્પિટલમાં દાખલ થવું અને પછી રજા લેવાની ઈચ્છા વ્યક્તિ કરવી, હોસ્પિટલમાં રહીને આંદોલન ચાલું રાખવું જેવી વારંવાર બદલાતી રણનીતિને કારણે હવે આંદોલન બાબતે પણ લોકોમાં શંકાના વાદળો ઘેરાવા લાગ્યા છે.