હાર્દિકના ઘરે મંડપ મુહૂર્ત વિધી શરૂ, સૂટબૂટ પહેરીને જોવા મળ્યો પાટીદાર નેતા
પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિકના લગ્નની હવે ચંદ ઘડીઓ ગણાઈ રહી છે. તેના લગ્નની તૈયારીઓ પરિવાર દ્વારા વિરમગામ ખાતે હાથ ધરાઇ છે.
ગૌરવ પટેલ/અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિકના લગ્નની હવે ચંદ ઘડીઓ ગણાઈ રહી છે. તેના લગ્નની તૈયારીઓ પરિવાર દ્વારા વિરમગામ ખાતે હાથ ધરાઇ છે. લગ્ન આવતીકાલે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દિગસર ગામે યોજાશે. વિરમગામના નિવાસ સ્થાને મંડપ મુહૂર્તની વિધિ શરૂ થઈ ગઈ છે. ત્યારે માંડવામાં હાર્દિક સૂટબૂટ પહેરેલો દેખાયો હતો.
હાર્દીકે જેને પ્રેમ કર્યો હતો એની સાથે સાથે જ જીવનભર સાથ નિભાવવા માટે ફેરા ફરશે. આવતીકાલે ગણ્યા ગાંઠા પરિવારજનોની હાજરીમાં આ લગ્ન થશે. લગ્નમાં કોઈ ઝાકમઝોળ નહીં હોય, બેન્ડબાજા અને ઘોડા પર જઈને નાચગાન નહીં હોય. પણ લગ્નમાં તમામ રીતરસમો થશે. આજે હાર્દિક પટેલના વિરમગામ સ્થિત નિવાસસ્થાને માંડવો બંધાયો છે. પાટીદાર અનામત આંદોલનના નેતાની આજે પીઠીની રસમ થશે. ગણેશ પૂજા થશે. પાસના કોઈ નેતાઓને પણ આમંત્રણ નથી અપાયું એવું એમના માતાપિતાનું કહેવું છે.
હાર્દિક અને કિંજલના લગ્ન ફક્ત બંને પક્ષના સગાઓની હાજરીમાં જ પૂર્ણ થશે. હાર્દિક પટેલના કુળદેવી ઉમિયા માતાનું મંદિર આમ તો મહેસાણામાં છે, પરંતુ એને મહેસાણામાં જવા માટેની મંજૂરી નહીં હોવાથી આ લગ્ન સુરેન્દ્રનગરના દિગસર ગામે આવેલા બહુચર માતાના મંદિરે થશે. હાર્દીકના પત્ની કિંજલ અત્યારે વકીલાતનો અભ્યાસ કરી રહી છે.