અમદાવાદ: કર્ણાટકના રાજકારણમાં જે ઉથલપાથલ જોવા મળી રહી છે તેમાં હવે ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ઝંપ લાવ્યું છે અને ભાજપ અને કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા પર આકરા પ્રહારો કર્યા છે. હાર્દિક પટેલે આ સાથે એમ પણ કહી દીધુ કે તેમને કોંગ્રેસની પ્રામાણિકતા પર ગર્વ છે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં જે ભાજપે કર્યું તે જો કોંગ્રેસે કર્યું હોત તો ભાજપ રાજ્યને હિંસાની આગમાં ઝોંકી દેત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું કે 'કર્ણાટકમાં ભાજપે જે કર્યુ તે જો કોંગ્રેસે કર્યુ હોત તો ભાજપે ક્યારનું કર્ણાટકને હિંસાની આગમાં ઝોંકી દીધુ હોત. આજે મને કોંગ્રેસની પ્રમાણિકતા અને બંધારણીય સોચ પર ગર્વ છે. કોંગ્રેસને બેઈમાની કરતા આવડતી નથી. આથી ચાર રાજ્યોમાં વધુ સીટો હોવા છતાં તેઓ સરકાર બનાવી શક્યા નહીં.' અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં 104 સીટો જીતીને ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. ભાજપે આજે રાજ્યમાં પોતાની સરકાર બનાવી અને બીએસ યેદિયુરપ્પાએ સવારે 9 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા.



હાર્દિક પટેલે કહ્યું કે 'કર્ણાટકમાં જે પણ થઈ રહ્યું છે તે દેશ માટે ઘાતક છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે કર્ણાટકમાં જે થઈ રહ્યું છે તે દેશ માટે ઘાતક છે. ન બંધારણ, ન રાજ્યપાલ, ન કોર્ટ, ન જનતાનું મેન્ડેટ, બધા પોતાની મરજી અને મનમાની, સત્તાની લાલસા, તાનાશાહી ઈરાદા, દેશને પાછળ રાખી રહ્યાં છે, બરબાદ કરવામાં લાગ્યા છે મારા હિન્દુસ્તાનને, અંગ્રેજો પાસેથી મળી હતી આઝાદી, ચોરોમાં આવીને અટક્યા છીએ.'


આ બાજુ કોંગ્રેસ અને જેડીએસના નેતાઓએ આજે ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પાના કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર ધરણા પ્રદર્શન કર્યાં અને તેને ગેરબંધારણીય ગણાવ્યું. ચૂંટણી બાદ કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનના નેતાઓએ રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા રાજભવનમાં યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવા બદલ વિરોધ કર્યો હતો.