ઉપવાસ આંદોલન મુદ્દે હાર્દિક પટેલ સાથે ખાસ મુલાકાત, ભાજપ સરકાર પર આકરા પ્રહાર
મને કોઈનો ડર નથી. હું લોકોના અધિકાર માટે લડું છું
અમદાવાદઃ હાર્દિક પટેલે કહ્યું કે, મને કોઈનો પણ ડર નથી. હું લોકોના અધિકાર માટે લડું છું. 15 હજારથી પણ વધુ લોકો મને સમર્થન આપવા માટે આવવાના છે.
ઉપવાસ એ સૌથી મોટું હથિયાર છે. ગાંધીજીએ ઉપવાસ કરીને અંગ્રેજોને અડધી રાત્રે ભગાડ્યા હતા. સરકાર ઉપવાસથી ડરે છે એટલા માટે તો મેદાન આપતી નથી. મારે ધારાસભ્ય બનવું હોય, સાંસદ બનવુ હોય તો ગમે ત્યારે બની શકું એમ છું. ચૂંટણી લડવા અંગે હાર્દિકે જણાવ્યું કે, સમય આવશે ત્યારે હું ચૂંટણી લડીશ.
જો સરકારનો કોઈ અધિકારી અત્યારે આવીને અનામત આપવાની તૈયારી દર્શાવે તો હું હાલ આ આંદોલન સમેટી લેવા તૈયાર છું. અડધો કલાકની વાટાઘાટો બાદ જો સરકાર ખાતરી આપે તો હું આ આંદોલન સમેટી લેવા તૈયાર છું. મને પ્રજાનું ભરપૂર સમર્થન છે. હું જનતાની માટે લડી રહ્યો છું.
હાર્દિક પટેલનો સલાહકાર કોણ છે એ સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું કે, આઈબી પણ શોધીને થાકી ગઈ છે. લોકોના કહેવાથી આંદોલન ન ચાલે. મારે કોઈ સલાહકાર નથી. જો મારે કોઈ સલાહકાર હોત તો હું 9 મહિના જેલમાં ન રહ્યો હતો. હું સમાજ માટે લડાઈ લડી રહ્યો છું.
મને ભાજપ કે કોંગ્રેસના જે કોઈ ધારાસભ્ય સમર્થન આપવા માગે તે આપી શકે છે.
પાટીદાર સમાજ સિવાય કયા-કયા સમાજનો ટેકો છે એવા સવાલના જવાબમાં હાર્દિકે જણાવ્યું કે, પાટીદાર સિવાય તમામ સમાજનો મને ટેકો છે. એક પણ સમાજના લોકોએ મારા આંદોલનનો વિરોધ કર્યો નથી. એક પણ સમાજ મારો વિરોધ કરતો નથી.
અન્ય રાજ્યોનાં લોકો પણ 28 તારીખે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં જોડાશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી લોકો મને સમર્થન આપવા આવશે.
જનતાનો મુદ્દો છે. દોઢ કરોડ જનતાનો સવાલ છે. પ્રશ્ન મારો નથી, ખેડૂતોનો છે. શું પાટીદાર સમાજ માટે કોઈ ધારાસભ્ય લડાઈ લડશે?
હાર્દિકે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના અધિકારની લડાઈ લડી શકે છે. હું ખેડૂતોના અધિકાર માટેની લડાઈ લડી રહ્યો છું, પાટીદારો માટે અનામતની લડાઈ લડી રહ્યો છું. કાયદાને હાથમાં નથી લઈ રહ્યો.
લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાર્દિકે અપીલ કરી છે. હાર્દિકે જણાવ્યું કે, તમે મને સમર્થન આપવા આવતા હોવ અને જો પોલીસ રસ્તામાં રોકે તો વિરોધ કરવાને બદલે જે-તે સ્થળે જ બેસી જશો.
રાજ્યમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન જળવાય તે માટે હાર્દિક પટેલે ઝી 24 કલાકના માધ્યમથી અપીલ કરી હતી કે, પાટીદાર સમાજના લોકોએ કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં. કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં તંત્રને સહયોગ આપવો.