જનતા માટે જેલમાં ગયેલ અલ્પેશ કથીરિયાનું ભવ્ય સ્વાગત કરાશે : હાર્દિક પટેલ
સુરત #રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર થતાં આવતીકાલે જેલમાંથી છુટકારો થવાનો છે ત્યારે આજે જેલમાં મળવા પહોંચેલા હાર્દિક પટેલે રણટંકાર કર્યો હતો કે, જે યુવાન જનતા માટે જેલમાં ગયો હોય એનું ભવ્ય સ્વાગત કરાશે. જોકે જેલ તંત્ર દ્વારા હાર્દિકને મુલાકાત ન કરવા દેવાતાં હાર્દિક પટેલ અલ્પેશના પરિવારજનોને મળ્યો હતો.
પાટીદાર અનામત આંદોલન અંતર્ગત રાજદ્રોહના કેસમાં પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ મામલે છેવટે અલ્પેશ કથીરિયાને જામીન મળતાં આવતી કાલે શનિવારે જેલમાંથી છુટકારો થવાનો છે જેને લઇને પાસ કાર્યકરો, પાટીદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પાસ નેતા હાર્દિક પટેલે શુક્રવારે સવારે જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને મળવા પહોંચ્યો હતો. જોકે જેલ તંત્ર દ્વારા મુલાકાત કરવા દેવાઇ ન હતી. હાર્દિક પટેલે આ અંગે તંત્રની ટીકા કરતાં કહ્યું કે, જે યુવાન જનતાના ન્યાય માટે જેલમાં ગયો હોય અને એ જ્યારે બહાર આવી રહ્યો છે તો એનું ભવ્ય સ્વાગત કરાશે. વધુમાં હાર્દિકે સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ન્યાય તંત્રના આધારે અલ્પેશને જામીન મળ્યા છે.