હાર્દિક પટેલની મોટી જાહેરાત : ‘હું 2019ની લોકસભાની ચૂંટણી જરૂર લડીશ’
પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ હવે લોકસભા 2019ની ચૂંટણી લડવાનો છે. લખનઉમાં એક મુલાકાતમાં હાર્દિક પટેલે સ્પષ્ટ કહ્યું કે, તે 2019ની લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે તે વિશે તેણે કોઈ જવાબ આપ્યો નથી.
ગુજરાત : પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ હવે લોકસભા 2019ની ચૂંટણી લડવાનો છે. લખનઉમાં એક મુલાકાતમાં હાર્દિક પટેલે સ્પષ્ટ કહ્યું કે, તે 2019ની લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે તે વિશે તેણે કોઈ જવાબ આપ્યો નથી.
2019ની લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય માહોલ હાર્દિક પટેલને કારણે વધુ ગરમાયુ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિનો મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે ખુદ આ જાહેરાત કરી છે કે, તે ચૂંટણી લડશે અને રાજકારણમાં ઝંપલાવશે. જોકે, તે હાલ ક્યાંથી ચૂંટણી લડશે તે હજી સામે આવ્યું નથી. સમાજ માટે લડવાના વાતથી યુ ટર્ન લઈને હવે હાર્દિક પટેલે ચૂંટણી લડવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. બે દિવસ પહેલા તેણે લખનઉમાં સ્પષ્ટ કહ્યું કે, તે 2019ની લોકસભાની ચૂંટણી લડશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, હાર્દિક અમરેલી અને મહેસાણા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. હાલ બંને બેઠક પર સરવે ચાલી રહ્યો છે. અમરેલી એ ગુજરાતમાં સૌથી વધુ પટેલ વસ્તી ધરાવતો જિલ્લો છે. તો બીજી તરફ, કોંગ્રેસ હાઇકમાન્ડે પણ હાર્દિક પર પસંદગી ઉતારી છે.
હું ઈલેક્શન લડીશ - હાર્દિક
લખનઉમાં હાર્દિકે કહ્યું કે, સમગ્ર દેશમાં સંવિધાન બચાવવા માટેનો માહોલ ચાલી રહ્યો છે. ભાજપ હટાવવા અને દેશને બચાવવા માટે મોટી લડાઈ ચલાવવામાં આવશે. તેની શરૂઆત પશ્ચિમ બંગાળમાં મમતા દીદીએ કરી છે. સમગ્ર દેશમાં અલગ અલગ પ્રદેશમાં તેની વાત થઈ રહી છે. હું 2019માં બિલકુલ ઈલેક્શન લડીશ.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમયથી હાર્દિકનું કોંગ્રેસ પ્રત્યેનું સમર્થન સામે આવ્યું હતું. સામાજિક આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ વર્ષ 2015થી ચર્ચામાં આવ્યો હતો. તેણે અનામત આંદોલનથી લોકજુવાળ પેદા કર્યો હતો. ત્યાર બાદ ગુજરાતમાં અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી જેવા યુવા નેતાઓ પણ ઉભા થયા હતા. જેમાં અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ વિધાનસભાના ઈલેક્શનમાં ઝંપલાવ્યું હતું. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ પકડીને રાધનપુથી ઈલેક્શન લડ્યું હતું, તો જિજ્ઞેશ મેવાણીએ વડગામથી અપક્ષ તરીકે ઈલેક્શન લડ્યું હતું. ત્યારે હવે યુવા નેતાઓનો ત્રીજો ચહેરો હાર્દિક પટેલ પણ રાજકારણમાં ઝંપલાવી રહ્યો છે.
ધાર્મિક માલવીયાની પ્રતિક્રિયા...
હાર્દિકની લોકસભા ચૂંટણી લડવાના મુદ્દે ધાર્મિક માલવીયાએ કહ્યું કે, મીડિયા છેલ્લા કેટલાક દિવસથી ચલાવી રહ્યું છે. પાસની કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે. ચર્ચા બાદ નક્કી કરાશે કે ચૂંટણી લડવી કે નહિ. યુવાનો રાજનીતિમાં આવે તે વર્તમાન સમયની માંગ છે.
શું કહ્યું દિનેશ બાંભણિયાએ...
હાર્દિક પટેલની ચૂંટણી લડવાના મુદ્દા ઉપર એક સમયના એના સાથીદાર દિનેશ બાંભણીયાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હાર્દિક પટેલનો નિર્ણય સમાજ સામેનો દ્રોહ છે.