હાર્દિક ફરી આવ્યો મેદાનમાં, ગામે-ગામ જઈને ખેડૂતોની સમસ્યા જાણી સરકારને આપશે પરિપત્ર
હાર્દિકે જણાવ્યું કે, હું સરકારને પરિપત્ર આપીશ, અમારું ઉપવાસ આંદોલન સંપૂર્ણ સફળ રહ્યું છે અને જે ગામમાં અમે ગયા નથી ત્યાં અમને સમર્થન મળ્યું છે
અમદાવાદઃ 19 દિવસના ઉપવાસ આંદોલન બાદ હાર્દિક બેંગલુરુમાં સારવાર લઈને ફરી પાછો ગુજરાત આવ્યો છે. ઝી24 કલાક સાથેની એક્સ્ક્લૂસિવ વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, તે 2 ઓક્ટોબર, ગાંધીજયંતીના રોજ મોરબી ખાતેથી ફરી ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરશે. હાર્દિક જણાવે છે કે, સરકાર માત્ર વાતો જ કરી રહી છે, કોઈ કામ કરતી નથી.
હાર્દિકે જણાવ્યું કે, ધારાસભ્યોના પગારવધારાની વાત આવી તો ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો ચૂપ રહીને બેસી ગયા અને ચુપચાપ વધારો લઈ લીધો. એક પણ ધારાસભ્યએ વિરોધ કર્યો નથી. મારા ઉપવાસ સફળ રહ્યા છે અને 19 દિવસના ઉપવાસ આંદોલન દરમિયાન મારું 9 કિલો વજન ઉતર્યું છે. 19 દિવસના ઉપવાસથી હું વધુ મજબૂત બન્યો છું.
હાર્દિકે જણાવ્યું કે, લોકોની અપેક્ષા પૂર્ણ કરવા હવે હું ફરીથી આગળ આવીશ. ગાંધીઆશ્રમમાં મને અદભૂત અનુભૂતિ થઈ છે. હવે અમે સમાજના અગ્રણીઓને મળીને સરકાર સાથેની વાતચીત કેટલી આગળ વધી તેના અંગે ચર્ચા કરીશું. હાર્દિક સરકાર સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર છે.
હાર્દિકે જણાવ્યું કે, મારી ત્રણ માગણીઓ પર આજે પણ અડગ છું. ખેડૂતોને રાહત આપવી જરૂરી છે. અલ્પેશની મુક્તી અમારી પ્રાથમિક્તા છે. રાજ્યમાં દરેક ચીજ-વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. ગાંધીજી અને ભગત સિંહે ગરીબો માટે વિચાર્યું છે. અમે લોકક્રાંતિ લાવવામાં સફળ રહ્યા છીએ. અમે માત્ર પાટીદાર-પાટીદાર કરતા નથી, અમે બધા જ લોકોને માટે આંદોલન ચલાવી રહ્યા છીએ.
ઉપવાસ આંદોલનની સફળતા અંગે હાર્દિકે જણાવ્યું કે, મારું આંદોલન સંપૂર્ણ સફળ થયું છે. ગામે-ગામ લોકો મારા સમર્થનમાં આગળ આવ્યા હતા. અનેક સમાજના લોકોએ મારી સમર્થનમાં મુંડન કરાવ્યું હતું અને રામધૂન યોજી હતી. એવા અનેક ગામ કે જ્યાં હું ક્યારેય ગયો નથી ત્યાં મારા સમર્થનમાં લોકો પ્રતિક ઉપવાસ પર બેઠા અને રામધુન બોલાવી હતી.
હાર્દિકે વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના જ શત્રુધ્ન સિંહા અને વાજપેયી સરકારમાં નાણા મંત્રી રહી ચુકેલા યશવંત સિંહાએ મારા આંદોલનને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, તમારો મુદ્દો સાચો છે. મને રાષ્ટ્રીય સ્તરે સમર્થન મળ્યું છે.
શહેર અને ગામડાઓ વચ્ચે મોટું અંતર પેદા થયું છે. મૌલિક અધિકાર ન મળે તો અવાજ ઉઠાવવો પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે અને ગેસનો બાટલો 800 રૂપિયાનો થઈ ગયો છે, પરંતુ કોઈ અવાજ ઉઠાવતું નથી. બજારમાં કપડાંનો ભાવ વધે છે પરંતુ ખેડૂતો માટે કપાસનો ભાવ કોઈ વધારતું નથી.
નીતિન પટેલ અમારા કારણે નાયબ મુખ્યમંત્રી પદે અમારા કારણે બેઠા છે એ નિવેદનને વળગી રહેતાં હાર્દિકે જણાવ્યું કે, હા, તેઓ અમારા આંદોલનના કારણે જ નાયબ મુખ્યમંત્રી પદે બેઠા છે. મારા કારણે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું લેવાયું નથી. તેઓ મારા કારણે જ મુખ્યમંત્રી પદે બેઠા છે.
રાજકારણમાં પ્રવેશ અંગે હાર્દિકે જણાવ્યું કે, મારે સમાજ ઉત્થાન માટે કામ કરવું છે. હું ગુજરાતની મુખ્ય મુશ્કેલીઓનું સમાધાન શોધવા માગું છું. જ્યાં સુધી હું મારી કર્મભુમિ માટે કંઈ કરી શકું નહીં ત્યાં સુધી હું રાજનીતિમાં જોડાવાનો નથી. ગુજરાતની એક પવિત્ર માટી છે. આવનારી પેઢી માટે હું કંઈક કરવા માગું છું.
રાજ્યના 28 જિલ્લાના તમામ તાલુકાની યાદી તૈયાર કરી છે. દરેક ગામમાં જઈને પ્રતીક ઉપવાસ કરીશું. ત્યાં અમે ગામના લોકોની, ખેડૂતોની સમસ્યા જાણીશું અને તેમના આ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડીશું.