હાર્દિક પટેલના ઉપવાસ ફરી એક વાર શરૂ, દરેક જિલ્લામાં રોજ ઉપવાસ કરી લોકક્રાંતિનું આહવાન કરાશે
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને મોટા ભાગના તાલુકાઓમાં કાર્યક્રમ થશે. ગામડે ગામડે લોકક્રાંતિનું આહવાન થશે.
મોરબી: ગાંધી જયંતિના દિવસે પાટીદારોના નેતા હાર્દિક પટેલ આજે એક દિવસીય ઉપવાસ કરશે. મોરબીના બગથળા ગામે હાર્દિક પટેલ પાટીદાર યુવાને સાથે પાટીદારોને અનામત મળે તે માટે ફરીએકવાર ઉપવાસ શરૂ કર્યા છે. હાર્દિકે કહ્યુ કે, ગુજરાતના દરેક જિલ્લાઓમાં જઇને સદભાવના ઉપવાસ કાર્યક્રમ આપવામાં આવશે.
ટ્વિટ કરીને બાપુને આપી શ્રદ્ધાજલિ
આ અંગે હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું છે કે, "પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિ, બીજી ઓક્ટોબરથી મોરબીમાં સામાજિક ન્યાય અને ખેડૂતોની દેવામાફીની માંગણી સાથે એક દિવસનો ધરણા કાર્યક્રમ શરૂ થશે. ગુજરાતના મુખ્ય 28 જિલ્લા અને 150થી વધારે તાલુકાઓમાં આ કાર્યક્રમ થશે. ગામડે ગામડે લોકક્રાંતિનું આહવાન થશે."
ગાંધી જયંતિ પર હાર્દિકનું ટ્વિટ
ગાંધી જયંતિએ હાર્દિક પટેલે ટ્વિટ કરતા લખ્યું છે કે, "સમાજમાં ફેલાયેલી ધૃણા, હિંસા અને સાંપ્રદાયિકતાથી દેશને બચાવવાનું એકમાત્ર હથિયાર સત્ય અને અહિંસા છે. હું પૂજ્ય બાપુના ચીંધ્યા માર્ગે ચાલવાનો પ્રયાસ કરીશ. સત્ય અને અહિંસાની લડાઈથી લોકોના મૌલિક અધિકારોની વાત કરીશ."