અમદાવાદઃ હાર્દિક પટેલ આવતીકાલે એટલે કે શનિવારે સાંજે 4 કલાકે પારણા કરે તેવી સંભાવના છે. હાર્દિકના પારણાના સમયે  ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયા ધામના પ્રમુખ પ્રહલાદ પટેલ હાજર રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ હાર્દિકના પારણા સમયે હાજર રહે તેવી સુત્રોએ માહિતી આપી છે. જોકે, આ અંગે પાસ સમિતી દ્વારા કોઈ ખુલાસો કરાયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી મીડિયાને સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ પારણા કરવા માટે રાજી થઈ ગયો છે. શનિવારે સાંજે 4 કલાકે હાર્દિક પારણા કરે તેવી સંભાવના છે. હાર્દિકને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, ઉમિયા ધામના પ્રહલાદ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ હાજર રહે તેવી સંભાવના છે. 


સુત્રોએ વધુમાં જણાવ્યું કે, પારણા કરી લીધા બાદ હાર્દિક બે દિવસ સુધી સોલા સિવિલમાં ઈલાજ કરાવશે. અહીં તેની તબિયત સુધારા પર આવ્યા બાદ તે વધુ ઈલાજ માટે બેંગલુરુ જાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. 


હાર્દિક સહિતના લોકોએ સમાજનું અપમાન કર્યું છેઃ સૌરભ પટેલ 
ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, હોસ્પિટલમાં હાર્દિકનો સંપૂર્ણ સહકાર મળ્યો હતો. હાર્દિકનું બ્લડપ્રેશરથી માંડીને પલ્સ સુધીનું બધું જ નોર્મલ આવ્યું છે. હાર્દિકની તબિયત હાલ સારી છે. સોલા સિવિલના ડોક્ટરો હાર્દિકના સ્વાસ્થ્ય અંગે હેલ્થ બુલેટિન બહાર પાડશે. સરકાર 6 પાટીદાર સંસ્થાઓ સાથે વાટાઘાટો કરવા તૈયાર હતી અને તેમને મળવા પણ બોલાવ્યા હતા. સમાજના આગેવાનોનું અપમાન કરવામાં આવ્યું હતું. સરકારના દરવાજા દરેક સમાજ માટે ખુલ્લા છે.


પાસ વાટાઘાટો કરવા તૈયારઃ મનોજ પનારા
મનોજ પનારાએ સૌરભ પટેલના નિવેદન અંગે જણાવ્યું કે, ખેડૂતના હિતમાં, સમાજના હિતમાં, યુવાનોના હિતમાં અમે અત્યારથી જ જે સમયે-જે જગ્યાએ ચર્ચા કરવા માટે સરકાર બોલાવશે તો અમે આવતીકાલે 11 વાગ્યા સુધીમાં ચર્ચા કરવા માટે તૈયાર છીએ. આ ચર્ચામાં સરકાર સમાજના અગ્રણીઓ અને અધિકારીઓને સામેલ રાખે તો અમને કોઈ વાંધો નથી. જો સરકાર અલ્પેશ કથિરિયાને મુક્ત કરવાની વાત હોય, ખેડૂતોના દેવામાફીની વાત હોય અને પાટિદારોને અનામત આપવા માગતી હોય તો અમે તમામ પ્રકારના મતભેદ ભુલાવીને વાટાઘાટો કરવા તૈયાર છીએ. જો સરકાર વાટાઘાટો કરવા માગતી હોય તો મારા નંબર પર સરકાર સમય અને સ્થળ અંગે સ્પષ્ટપણે જણાવે. અમારી સમિતિ હાર્દિકની મંજૂરી સાથે સરકાર સાથે સીધી વાટાઘાટો કરવા તૈયાર છે. જો સરકાર અમારા સમાજના શ્રેષ્ઠીઓ સાથે વાટાઘાટો ચલાવે તો પણ અમને વાંધો નથી.