હરિધામ સોખડા મંદિરમાં વિવાદ મામલે મોટા સમાચાર, પ્રબોધ સ્વામી જૂથને મોટી રાહત
વડોદરા સંયુક્ત ચેરિટી કમિશનરના હુકમથી પ્રબોધ સ્વામી જૂથને મોટી રાહત મળી છે. અરજદારોની મૂળ અરજીનો નિર્ણય ના થાય ત્યાં સુધી એટલે કે 18 ઓગસ્ટ સુધી હુકમ માન્ય રહેશે.
રવિ અગ્રવાલ/વડોદરા: હરિધામ સોખડા મદિરમાં વિવાદ મામલે આજે ફરી એક મોટા સમાચાર મળી રહ્યા છે. વડોદરા સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા એક હુકમ કર્યો છે. જેમાં ટ્રસ્ટની મિલ્કત કે રહેઠાણમાં વસવાટ અને આશરો લઈ રહેલા લોકોને દૂર ન કરવા જણાવ્યું છે. સાધુ, સંતો, સાધ્વીઓ અને સેવકોને બહાર ના કાઢવા પણ હુકમમાં જણાવવામાં આવ્યું છે.
વડોદરા સંયુક્ત ચેરિટી કમિશનરના હુકમથી પ્રબોધ સ્વામી જૂથને મોટી રાહત મળી છે. અરજદારોની મૂળ અરજીનો નિર્ણય ના થાય ત્યાં સુધી એટલે કે 18 ઓગસ્ટ સુધી હુકમ માન્ય રહેશે. હુકમ કાયમ કેમ ના કરવો તે બાબત પ્રેમસ્વરૂપ સ્વામી જૂથને અર્જન્ટ કારણદર્શક નોટિસ પણ પાઠવી છે.
હાઇકોર્ટે હેબિયસ કૉર્પસ પિટિશનનો કર્યો હતો નિકાલ
નોંધનીય છે કે, સોખડા હરિધામ મંદિરના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં પ્રબોધ સ્વામી જૂથને ઝટકો લાગ્યો હતો. હેબીયસ કોર્પસમાં મંજૂર રાખવા કોર્ટે ઇનકાર કરી દીધો હતો. સોખડા વિવાદ અંગે હાઈકોર્ટે હેબિયસ કૉર્પસ પિટિશનનો બે દિવસ પહેલા હાઈકોર્ટે નિકાલ કર્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુક્ત કરાવ્યા બાદ હેબિયસ કૉર્પસ પિટિશન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. સંતો અને સાધ્વીઓ અને અન્યોના પાસપોર્ટ અને મોબાઈલ ફોન એમને અપાઈ ચૂક્યા છે. સોખડા હરિધામ મંદિરના વિવાદમાં વચગાળાની વ્યવસ્થા પ્રમાણે તેમને અમદાવાદના નિર્ણય નગર અને આણંદના બાકરોલ માં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube