Gujarat Police: ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિવિધ પ્રશ્નોતરી પર રાજ્ય સરકારના મંત્રીઓ જવાબ આપી રહ્યા છે. ગૃહ વિભાગની બજેટ માંગણીઓ પર જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જનતાની સુરક્ષા વિશે ગૃહમાં વાત કરતા જણાવ્યું હતું કે હવેથી રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માત્ર એક ફોનથી પોલીસ તાત્કાલિક પહોંચશે. પોલીસનો ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારની સ્પેશ્યલ એક્શન ફોર્સ SAFની રચના કરાશે. આ સિવાય રાજ્ય સરકાર નવી ફોર્સ ઉભી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે. જી હા... હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારોમાં 10 મિનિટમાં પહોંચશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમાં પહોંચી જશે.


પોલીસ વિભાગ નવા વાહનોની ખરીદી કરશે
ગુજરાતમાં નવા પોલીસ સ્ટેશનો ઊભા થયા છે, તેના માટે પણ વાહનોની ખરીદી કરવામાં આવનાર છે, જે પેટે બજેટમાં 8.83 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્ય સરકાર નવા 1100 વાહનો ખરીદશે. રાજ્યના પોલીસ વિભાગમાં કેન્દ્ર સરકારની વાહન સ્ક્રેપિંગની નીતિને અનુસરીને સ્ક્રેપ થયેલા વાહનોની સામે નવા વાહનો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે માટે નાણાંકીય વર્ષ 2024-25માં 24.82 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


એ જ રીતે પોલીસ તાલીમ સંસ્થાઓ માટે વાહનો ખરીદવા માટે 2.77 કરોડની બાબત રજૂ કરવામાં આવી છે, જ્યારે પોલીસ ખાતાની કચેરીઓમાં રદબાતલ વાહનો સામે નવા વાહનની - ખરીદી માટે 26.85 કરોડ વાપરવામાં આવશે. એસીબીની કચેરીના નવા વાહનો માટે 1.41 કરોડ જ્યારે સ્પેશિયલ એક્શન ફોર્સના નવા વાહનો માટે 6.24 કરોડનો ખર્ચ કરવામાં આવશે.