નવનીત દલવાડી/ભાવનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 સપ્ટેમ્બરના રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઇને વહીવટી તંત્ર દ્વારા કોઇપણ જાતની ચૂક ના રહી જાય એ માટે તમામ પ્રકારના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે, જે સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરની મુલાકાત લીધી હતી અને રોડ-શોના રૂટનું જાતે નિરીક્ષણ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર, અમરેલી અને બોટાદમાં હજારો કરોડોના થઈ રહેલા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આગામી 29 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે. ત્યારે તેમના આગમન ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, સુરક્ષાથી લઈને તમામ પ્રકારની તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં વડાપ્રધાનનો રોડ-શો યોજાવાનો છે, એ રસ્તાના કામો સત્વરે હાથ ધરવામાં આવ્યા છે, રોડ- શો રૂટને કમાનો, ભીંતચિત્રો, સ્વાગત પોસ્ટરોથી શણગારવામાં આવી રહ્યા છે.



પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા મામલે કોઈપણ જાતની ચૂક ના રહી જાય તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાવનગર આવી પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર તેમનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ રોડ-શો ના સમગ્ર રૂટનું ગૃહમંત્રીએ જાત નિરીક્ષણ કરી વ્યવસ્થા માટે તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા. રોડ-શો દરમ્યાન ભાવનગરના નાગરિકો ઉપસ્થિત રહી વડાપ્રધાનને આવકારી શકે એ માટે યોગ્ય વ્યવસ્થા કરવા તંત્રને સૂચના આપી હતી. ત્યાર બાદ ગૃહરાજ્યમંત્રી સભા સ્થળે પહોંચ્યા હતા, જ્યાં સભા માટે તૈયાર કરાયેલા વિશાળ ડોમ અને બેઠક વ્યવસ્થા અંગે નિરીક્ષણ કરી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. 


ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે શિક્ષણમંત્રી જીતું વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયા સહિતના આગેવાનો જોડાયા હતા. વડાપ્રધાનના આગમન ને લઈને ભાવનગર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને સુરક્ષા વ્યવસ્થા ને લઈને યોજાયેલી બેઠકમાં અનેક વિષયોની ચર્ચાઓ કરવામાં આવી હતી. 


ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની ગૃહમંત્રીએ સરાહના કરી હતી. સાથે જણાવ્યું હતું કે આવતી કાલથી શરૂ થઈ રહેલા નવલા નોરતામાં રમવા માટે રાત્રીના 12 વાગ્યા સુધીની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે, તેમજ ગરબા રમ્યા પછી ખેલૈયાઓને નાસ્તો કે ભોજન માટે પણ રેસ્ટોરન્ટને ખુલ્લા રાખવા દેવા માટે સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે. જ્યારે જીતુ વાઘાણીએ વડાપ્રધાન દ્વારા ભાવનગરને લોકર્પિત થનારા વિકાસના કામો અંગે માહિતી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube