હરિયાણામાં પાર્ટી અધ્યક્ષની નિમણૂંક બાદ ગુજરાતને ક્યારે મળશે નવા પ્રદેશ પ્રમુખ? આ નેતાઓ રેસમાં!
Gujarat BJP President: ભાજપે હરિયાણામાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરી છે, તો ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ ક્યારે મળશે? હાલ કમલમમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે હવે પછી કોનો વારો છે. કોણ ભાજપ પ્રદેશ પ્રમુખની ગાદી સંભાળશે.
Gujarat BJP President: ભાજપે હરિયાણામાં ધારાસભ્ય મોહન લાલ બડોલીને પાર્ટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ સોનીપત જિલ્લાના રાયના ધારાસભ્ય છે. લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા બડોલીએ મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીનું સ્થાન લીધું છે. આ સાથે જ હવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે. ભાજપે હરિયાણામાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરી છે, તો ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ ક્યારે મળશે? હાલ કમલમમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે હવે પછી કોનો વારો છે. કોણ ભાજપ પ્રદેશ પ્રમુખની ગાદી સંભાળશે.
મહત્વનું છે કે ગુજરાતમાં પાટીલની દિલ્હીમાં વિદાય બાદ ગુજરાત ભાજપની કમાન ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પાટીદાર નેતામાંથી કોને સોંપાશે તેને લઈને અટકળો ચાલી રહી છે. રાજકીય ગણિતના આધારે અનુમાન લગાવાય તો ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાનું નામ ચર્ચાઈ રહ્યું છે. ઓબીસી સમાજના ચહેરાની વાત કરીએ તો પૂર્વ કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ, મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા હાલના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર અને ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ દિનેશ અનાવાડિયા પણ રેસમાં છે.
નવા પ્રદેશ પ્રમુખ પર મોટી જવાબદારી
જે પણ નવા પ્રદેશ પ્રમુખ બનશે તેના પર મોટી જવાબદારી રહેશે. કારણ કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ ક્લીન સ્વીપ કરી શક્યુ નથી. એક બેઠક ભાજપે ગુમાવીને છે. પક્ષને ધાર્યા મુજબનું પરિણામ મળ્યું નથી. આ ઉપરાંત ભાજપમાં લાંબા સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. પક્ષપલટુઓને મોટી જવાબદારી મળતા અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ છે. તેની મોટી અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળી. સાથે જ ચૂંટણીમાં ક્ષત્રિયોની નારાજગી પણ હતી. આ બધા ફેક્ટર વચ્ચે નવા ભાજપ પ્રદેશ પ્રમુખની એન્ટ્રી થશે, એટલે તેમણે આ બધા મોરચે લડવુ પડશે. જે ત્રણ નામ સૌથી વધુ ચર્ચામં છે. તે છે પ્રદીપસિંહ જાડેજા, દેવુસિંહ ચૌધરી અને જગદીશ વિશ્વકર્મા. તેમાં પણ પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનવાની રેસમાં સૌથી આગળ છે. પ્રદીપસિંહ જાડેજા સરકાર અને સંગઠન બન્નેમાં કામ કરી ચુક્યા છે. હાલ સાઇડ લાઇન છે. જે રીતે ક્ષત્રિયો નારાજ થયા હતા તેની અસર 2027 પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ના પડે તે માટે પ્રદીપસિંહ જાડેજાને પક્ષ અજમાવી શકે છે.
આ સાથે જ, સાથો-સાથ રાજ્ય સરકારમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી થાય એવી પૂરી શકયતા છે. જો આવું થાય તો સંગઠનની રચના ઉપર તેની સીધી અસર જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે હરિયાણામાં નાયબ સૈની ઓક્ટોબર 2023માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. પછી આ વર્ષે માર્ચમાં પાર્ટીએ રાજ્યમાં મોટા ફેરફારો કર્યા. બીજેપીએ દુષ્યંત ચૌટાલાની જેજેપી સાથે ગઠબંધન તોડી નાખ્યું અને આ સાથે મનોહર લાલ ખટ્ટરે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું. તેમની જગ્યાએ નાયબ સિંહ સૈની સીએમ બન્યા. સીએમ પદનો ચાર્જ સંભાળ્યા બાદ તેમના સ્થાને પાર્ટી અધ્યક્ષ તરીકે નવા ચહેરાની શોધ શરૂ થઈ ગઈ હતી.
જેપી નડ્ડાને નાયબ સૈની મળ્યા હતા
નાયબ સૈની સોમવારે (8 જુલાઈ) દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. માનવામાં આવે છે કે આ બેઠક દરમિયાન બદૌલીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણી લડ્યા હતા મોહન લાલ બડોલી
આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા આ નિમણૂકને મહત્વની માનવામાં આવે છે. બડોલી માટે લોકસભા ચૂંટણીમાં મળેલા આંચકા બાદ પાર્ટીને એકજૂટ રાખવા અને પાર્ટીને નવી ઉર્જા આપવાનો મોટો પડકાર છે. ભાજપે લોકસભા ચૂંટણીમાં બડોલીને સોનીપત બેઠક પરથી ઉમેદવાર પણ બનાવ્યા હતા, જો કે, તેમને કોંગ્રેસના સતપાલ બ્રહ્મચારીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. સતપાલ બ્રહ્મચારીને 548682 મત મળ્યા હતા. જ્યારે બદૌલીને 526866 મત મળ્યા હતા.