શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :હેડ ક્લર્કનું પેપર લીક કરનારા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 11 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે. હજી સુધી 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે સાંબરકાંઠા પોલીસને દર્શન વ્યાસના ઘરમાંથી તપાસ દરમિયાન 23 લાખ રોકડા મળી આવ્યા હતા. આ 23 લાખ રૂપિયા તેણે અલગ અલગ ઉમેદવારો પાસેથી મેળવ્યા હતા. ઘરમાં એક થેલામાંથી આ 23 લાખ રૂપિયા મળી આવ્યા હતા. દર્શન વ્યાસને પોલીસ તેના ઘરે સરકારી પંચો સાથે પહોંચીને મેળવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરકાંઠા એસપીએ સમગ્ર મામલે વધુ માહિતી આપતા કહ્યું કે, આજે કોર્ટમાં તમામ આરોપીના 14 દિવસના રિમાન્ડ મંગાશે. પોલીસે દર્શન વ્યાસના ઘરમાંથી 23 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ રૂપિયા જુદા-જુદા ઉમેદવારો પાસેથી રૂપિયા લેવાયા હતા. 


આ પણ વાંચો : સગી દીકરી પર ક્રુરતા, સાસરીથી રૂપિયા ન આવે ત્યા સુધી પિતાએ દીકરીને ખાટલે બાંધી દીધી


જોકે, પેપર લીક થયાની માહિતી સામે આવ્યા બાદ આગામી બે દિવસમાં રાજ્ય સરકાર પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી શકે તેવી શક્યતા છે. આગામી બે દિવસમાં રાજ્ય સરકાર હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરશે. આ ઉપરાંત મુખ્ય આરોપી સામે ગુજસીટોકનો ગુનો પણ દાખલ થશે. ગુજસીટોક હેઠળ 5 વર્ષથી માંડીને આજીવન કેદની જોગવાઈ છે અને મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે. આ એક્ટ હેઠળ મુખ્ય આરોપીને ઓછામાં ઓછો 5 લાખ રૂપિયાનો દંડ થશે. પેપર લીક કેસમાં મુખ્ય આરોપી તરીકે પોલીસે જયેશ પટેલની ધરપકડ કરી છે. જયેશ પટેલ પ્રાંતિજના ઉંછા ગામનો છે, જેની પાસે સૌથી પહેલાં પેપર આવ્યું હતું.



ઉલ્લેખનીય છે કે, 88 હજાર ઉમેદવારોએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી અને 12 તારીખે લેવાયેલી પરીક્ષાનું પેપર 10 તારીખે ફોડવામાં આવ્યું હતું. જેના કારણે હવે રાજ્ય સરકાર બે દિવસમાં સત્તાવાર રીતે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું કે, પેપર કાંડના આરોપીઓને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ હિંમત ના કરે. જે રીતે દુષ્કર્મના કેસમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે છે એ જ રીતે આ કેસમાં પણ ઝડપથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓને તેમના અપરાધની સજાના અંજામ સુધી પહોંચાડવામાં આવશે.