રાજકોટમાં ઉપવાસ કરતા ભક્તો સાથે ચેડાં, ફરાળી પેટીસમાં મકાઈનો લોટ મિક્સ કરીને વેચી
રાજકોટમાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા... મકાઈના લોટમાંથી બનાવતા હતા ફરાળી પેટીસ... મોટી સંખ્યામાં મકાઈના બારદાન મળી આવ્યા...
ગૌરવ દવે/રાજકોટ :જો તમે શ્રાવણ માસનો ઉપવાસ કર્યો છે, અને ફરાળમાં બહારથી ફરાળી પેટીસ મંગાવીને ખાઓ છો તો ચેતી જજો. કારણ કે આ ફરાળી પેટીસ તમારો ઉપવાસ તોડી શકે છે. કારણ કે, આ ફરાળી પેટીસ મકાઈના લોટમાંથી બનાવવામાં આવી છે. રાજકોટમાં ફરાળી પેટીસમાં ભેળસેળ કરતું યુનિટ ઝડપી પાડવામાં આવ્યુ છે. જેમાં મોટી માત્રામાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતા હોવાનું સામે આવ્યુ છે. આમ, રાજકોટમાં શ્રાવણમાં ઉપવાસ કરતા ભક્તો સાથે ચેડાં થયા છે.
પવિત્ર શ્રાવણ મહિનો હોવાથી અનેક લોકો રોજ ઉપવાસ રાખે છે. પરંતુ આજની ભાગદોડ વાળી લાઈફમાં ભૂખ્યા રહેવુ બધાને ફાવતુ નથી. તેથી લોકો બહારથી ફરાળી નાસ્તો લઈને ખાય છે. ત્યારે આ ફરાળી નાસ્તાને લઈને રાજકોટનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું અને દરોડા પાડવામા આવ્યા હતા. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજકોટના શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટમાંથી અખાદ્ય ફરાળી પેટીસનો જથ્થો ઝડપાયો છે. જલારામ ચોકમાં આરોગ્ય વિભાગે ફરાળી વાનગીઓ વેચતા વેપારીઓ સામે તવાઈ બોલાવાઈ હતી. ઔદ્યોગમાં ઉપયોગમાં લેવાતા મકાઈના લોટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખૂલ્યુ છે.
અહીં રાહત દરે પેટીસ વેચવાનું કહી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પેટીસ વેચાતી હતી. પરંતુ તેને સસ્તી બનાવવા તેમાં ફરાળી લોટને બદલે મકાઈનો લોટ નાંખવામાં આવતો હતો. મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવવાનો ખેલ આરોગ્ય વિભાગે ખુલ્લો પાડ્યો છે.
તો સાથે જ પેટીસ બનાવવા માટે સારા ખાદ્યતેલની જગ્યાએ દાજ્યું તેલ વાપરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. હાલ આરોગ્ય વિભાગે અખાદ્ય પેટીસ અને દાઝીયા તેલનો નાશ કર્યો હતો. વેપારીને નોટિસ આપી સૂચના આપવામાં આવી હતી. નમૂના લેબોરેટરી ખાતે વડોદરા મોકલવામાં આવ્યા હતા.
મોટી માત્રામાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતા હોવાનું સામે આવ્યા અધિકારીઓ પણ ચોંક્યા હતા. યુનિટમાંથી મોટી માત્રામાં મકાઈના લોટના બરદાન મળી આવ્યા છે. ઉદ્યોગમાં વપરતો લોટથી જ પેટીસ બનાવાય છે. ફરાળી પેટીસનો સ્વાદિષ્ટ બનાવવા લીંબુના ફુલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ ખુલાસો થયો છે.