અમદાવાદ :અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. હવામાન પોર્ટલ એક્યુવેધર મુજબ, રાજ્યમાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન મોડાસામાં નોંધાયું છે. ત્યારબાદ વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અનેક શહેરોમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યના બીજા 5 શહેરમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. લોકોને કામ વિના બપોરે ઘરની બહાર ન નિકળવાની સલાહ અપાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તડકામાં બહાર ન નીકળવાની સલાહ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી અગનજ્વાળા વરસી રહી છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 43.6 ડિગ્રીને પાર થયો છે. તો આગામી સમયમાં હજુ પણ ગરમી વધી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી આગાહીના ભાગરૂપે તંત્ર દ્વારા લોકોને કામ સિવાય તડકામાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. AMCએ સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદમાં પણ હજી 2 દિવસ રેડ એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને બગીચાઓને 11 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એ સિવાય અર્બન હેલ્થ સેન્ટરો પર, રેન બસેરાઓ પર અને બીઆરટીએસના બસ સ્ટેન્ડ પર એનર્જિ ડ્રિંન્ક, ઓઆરએસની પણ વ્યવસ્થા કરવામાં આવશે. એએમટીએસના તમામ ડેપો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. 


સુરતમાં વૃદ્ઘનું મોત
સુરત શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે શહેરમાં 67 જેટલા લૂ લાગવાના અને ઝાડા ઉલ્ટી અને ચક્કર આવવાના કેસ નોંધાયા છે.. શહેરમાં 60 વર્ષીય વૃદ્ધનું ગરમીને કારણે ચક્કર આવતા મોત થયું છે.. તેમજ હવામાન વિભાગે બે દિવસ માટે યલો એલર્ટ આપ્યું છે


મોડાસામાં રેકોર્ડ તૂટ્યો
ગુજરાતમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. મોડાસામાં તાપમાન 48 ડિગ્રી, તો બનાસકાંઠાના વાવમાં 47 ડિગ્રીને પાર થઈ ગયો છે. 


અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આજથી ભારે ગરમીને લઇને રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યના અનેક શહેરોમાં પણ ગરમીનો પારો 40થી 42 સુધી પહોંચી શકે છે. જેના પગલે મહાનગર પાલિકા સજ્જ થયું છે અને બીઆરટીએસ સ્ટેન્ડ પર ઓઆરએસનું વિતરણ કરવામાં આવશે.


મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સતત ફૂંકાઇ રહેલા સૂકા પવનના કારણે આજે ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો છે અને આવનારા દિવસોમાં આ ગરમી યથાવત રહે તેવા એંધાણ છે. ત્યારે ગરમીમાં મહેસાણા એસ.ટી કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક એસ.ટી ડ્રાઈવર અને કંડક્ટરને ઓ.આર.એસ પીવડાવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતના 11 ડેપોના કર્મચારી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.