અમરેલી : સૌરાષ્ટ્રમાં આજે સોમવારે બીજા દિવસે પણ વરસાદ પડી રહ્યો હતો. અમરેલી પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘો મહેરબાન રહ્યો હતો. અમરેલી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. બે કલાક બાદ સવા ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગોંડલ પંથકમાં ઝાપટા પણ પડ્યા હતા. રાજકોટના મોટા ભાગનાં વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોધમાર વરસાદના પગલે લોકો પણ અસહ્ય બફારાથી અકળાઇને વરસાદનો આનંદ માણવા બહાર નીકળી ગયા હતા.ઉપરાંત વરસાદ થવાના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ કોવાયા, વિક્ટર અને દાતરડી ગામમાં ભારે વરસાદથી નદીઓમાં પુર આવ્યા હતા. દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. 

અમરેલી પંથક બાદ ગોંડલ પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેમા ગોંડલ નેશનલ હાઇવે પર આવતા જામવાડી, ચોરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 36 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.