ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પાણી ભરાયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ મુશ્કેલ બની છે. તો આગામી બે દિવસમાં પણ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આમ તો રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી વરસાદ પડી શકે છે. આ વચ્ચે રાજકોટના કલેક્ટરે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહાને કારણે લોકોને બિનજરૂરી બહાર ન નિકળવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલેક્ટરે કરી અપીલ
રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે રાજકોટના કલેક્ટરે લોકોને અપીલ કરી છે. કલેક્ટરે લોકોને 3 દિવસ ભારે વરસાદને કારણે બિનજરૂરી બહાર ન નિકળવાની અપીલ કરી છે. કલેક્ટરે કહ્યું કે, 10 જેટલા ડેમ ઓવરફ્લો થયા હોવાથી આ વિસ્તારોમાં ન જવું. 



કલેક્ટરે રાજકોટ જિલ્લાની જનતાને અપીલ કરતા કહ્યું કે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હોય તો રસ્તો ન ઓળંગવો. આ સાથે નિચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોને સેલ્ટર હોમમાં પહોંચી જવાની અપીલ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. લોકમેળામાં આવેલા શ્રમિકોને સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. સેલ્ટર હોમમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 


તમામ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સીઝનમાં પ્રથમવાર રાજ્યના 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે. આવતીકાલે મોટા ભાગના વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે. કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ એલર્ટ છે. મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે.