અમરેલીઃ અમરેલી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી છે.  ત્યારે જિલ્લાના જાફરાબાદ, રબારીકા અને રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રબારીકા ગામે 3 કલાકમાં જ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો જાફરાબાદમાં પણ એક કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજુલા પંથકમાં સારો વરસાદ થયો છે.  ભારે વરસાદને પગલે ગામ નજીકની માલણ નદીમાં પૂર આવ્યું છે અને પૂરના પાણી ગામમાં ધસી ગયા છે. માલણ નદી બે કાંઠે વહી રહી છે. નદીના આ અદભૂત દ્રશ્યો જોવા માટે ગામના લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાફરાબાદના પાટી, માણસામાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડ્યો હોવાથી શેરી-બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. બીજી તરફ જીકાદ્રી, મોટા માણસા, એભલવડ, ફિસરી, ટીંબીમાં અનરાધાર એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. તેમજ માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ટીંબીની રૂપેણી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.


ખાંભાના રબારીકા ગામે સાંબેલાધાર પાંચ ઇંચ વરસાદ પડતા ગામની માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પૂર જોવા ગામલોકો ઉમટ્યા હતા. તેમજ ભારે વરસાદથી વરસાદી પાણી ગામમાં ઘૂસવા લાગ્યા હતા.