વેરાવળઃ ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા વેરાવળ, ચોરવાડ, તાલાલા, સુત્રાપાડા તાલુકાના પીવાના પાણી તથા ખેતી અને ઔદ્યોગિક એકમોની જીવાદોરી સમો હિરણ-2 ડેમ છલકાવાની તૈયારીમાં છે. ડેમની કુલ સપાટી 444 ફુટ છે. ગીર જંગલ વિસ્તારમાં વ્યાપક વરસાદ થતાં હિરણ નદીમાં ઘોડાપુર આવવાને પગલે હિરણ ડેમ છાલકાવાની તૈયારીમાં છે. ડેમની જળસપાટીમાં વધારો થતા સિંચાઈ વિભાગ દ્વારા નીચાણ વાળા ગામોને સાવચેત કરાયા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજીતરફ ઉનામાં સતત પડી રહેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. ઉનામાં ભારે વરસાદ પડતા રાજપરા, માણેકપુર તેમજ ખત્રીવાળા સહિતના ગામોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. દરિયામાં કરંટના પગલે અને ભરતીના કારણે વરસાદના પાણી દરીયામાં ન જતા ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઇને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેમજ સમગ્ર પરિસ્થીતીને પહોંચી વળવા NDRFની ટીમને પણ ઉનામાં બોલાવી તૈનાત કરવામાં આવી છે.


ગીરસોમનાથ પંથકમાં પડેલા ધોધમાર વરસાદના પગલે અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા. ત્યારે સૂત્રાપાડા તાલુકાના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોનું વાવેતર બગડ્યુ છે. લાખો રૂપિયાના ખર્ચે કરેલા વાવેતર પણ વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.