જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે.  જૂનાગઢ પંથકમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શનિવારના વરસાદની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.  ગિરનાર ઉપર અને  માળિયા હાટીનામાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો.  મેંદરડામાં 7 ઈંચ, જૂનાગઢમાં 6 ઈંચ, કેશોદમાં 6 ઈંચ, વંથલીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો. આ તરફ માંગરોળમાં 4 અને માણાવદરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઇ છે, જેના કારણે માણાવદરના કોયલાણા ગામમાં ઓઝત નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. જેને લઇ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ સાથે જ માણાવદરના મતીયાણા ગામમાં પણ ઓઝત નદીના પાણી ફરી વળતા મતીયાણા ગામ પણ સંપર્ક વિહોણું થયું હતું. તેમજ ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનોને ઘુંટણસમા પાણીમાંથી પસાર થઇને અંતિમ યાત્રા કાઢવાનો વારો આવ્યો હતો.


કેશોદમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.  કેશોદના બાલાગામ ગામે વાડી વિસ્તારમાં નદીનો પાળો તુટયો. તો બોરિયામાં પણ નદીનો પાળો તુટતા નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. પાણી ફરી વળતાં તમામ ખેતરો બેટમાં ફેરવાયા હતા. સાથે જ નજીકના ગામમાં પણ પાણી પાણી થઈ ગયા. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યુ છે.