કચ્છ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જળતાંડવ, જોવા મળ્યા વરસાદની તબાહીના દ્રશ્યો
આ વખતે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.. છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્રમાં ચોમાસું જામેલું છે અને તેમાં પણ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર આ ત્રણ જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે.
ભુજઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં મેઘતાંડવ બાદ હવે વારો કચ્છનો આવ્યો.. કચ્છમાં મોડી રાતથી દિવસ દરમિયાન પડેલા વરસાદના કારણે જળ તાંડવના દ્રશ્યો જોવા મળ્યા.. ક્યાંક ધસમસતા પ્રવાહમાં પ્રાણીઓ તણાયા તો ક્યાંક પૂરના પ્રવાહ સામે માનવ જીવન પ્રતિકાર કરતું નજરે પડ્યું.. કચ્છ સિવાય સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ મેઘરાજાની તબાહીના દ્રશ્યો જોવા મળ્યા.. જુઓ આ રિપોર્ટ..
રમકડાંની જેમ નદીના ધસમસતા પ્રવાહમાં તણાતી ભેંસો.. ગળાડૂબ કોઝ-વેમાં રોડની વચ્ચે ફસાયેલી કાર. ભરબજારમાં ગાંડીતૂર નદીની જેમ વહેતું વરસાદનું પાણી. પોસ્ટ ઓફિસમાં ઘૂસ્યા વરસાદના પાણી. કચ્છમાં અનરાધાર રીતે વરસેલા વરસાદના કારણે કેટલાય તાલુકાઓની પરિસ્થિતિ આવી છે. કચ્છમાં આફતના વરસાદના આ 4 દ્રશ્યો જુઓ.. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાશે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવ્યા બાદ મંગળવારે મેઘરાજાએ કચ્છ જિલ્લાને ઘમરોળી નાખ્યો છે. કચ્છના નખત્રાણા, અંજાર સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે અનેક તાલુકાઓ તરબોળ થઈ ગયા છે.
જૂનાગઢ જિલ્લામાં વરસાદી તબાહી મંગળવારે પણ યથાવત રહી છે. અતિશય ભારે વરસાદના કારણે માણવદરનું કોડવાવ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. બાટવાના ખારા ડેમનો દરવાજો ખોલવાના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં ગળા સુધીનું પાણી ભરાય ગયું છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે NDRFને ભારે ઝહેમત ઉઠાવવી પડી રહી છે. માણાવદરમાં અતિશય વરસાદના કારણે મધુવંતી ડેમ પણ છલકાય ગયો છે. મધુવંતી ડેમ છલાકવવાથી ડેમનું પાણી અનેક વિસ્તારને ખેદાન મેદાન કરતું આગળ વધ્યું છે. માણાવદર તાલુકાના લીંબુડા ગામની તબાહીના આકાશી દ્રશ્યો જુઓ તો લીંબુડા ગામમાં ધૂંધવી નદીનું પાણી ફરી વળતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં કમર સુધીના પાણી છે જ્યારે રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે..
રાજકોટના ગઢાળા ગામ પાસે આવેલો કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયો. મોજ ડેમના 20 દરવાજા ખોલતા કોઝવે પર પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ દ્વારકામાં વરસાદને કારણે થયેલી તારાજી અને ખેતીમાં નુકસાનને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ હવાઇ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્ય સચિવ રાજકુમાર તથાં અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ હવાઇ નિરિક્ષણમાં તેમની સાથે જોડાયા હતા.