નવસારી : નવસારીની નદીઓ બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં સતત 24 કલાકથી પડી રહેલા વરસાદનાં કારણે અંબિકા અને પુર્ણા નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. જેના કારણે તાત્કાલીક પગલા લેતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેલા 750થી વધારે લોકોનું સલામન સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. પરિસ્થિતીને પોહંચી વળવા માટે તંત્રે તમામ રીતે કમર કસી લીધી છે. કલેક્ટર દ્વારા લોકોને નદીથી દુર રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં હોય તેમને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી છે. બચાવ અને રાહત કાર્ય માટે તમામ તંત્ર ખડેપગે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીમાં લોકમાતા ગણાતી પુર્ણા નદી 20 ફુટ અને અંબિકા 25 ફુટે પહોંચતા પરિસ્થિતી વણસી છે. એનડીઆરએફની ટુકડીને સ્ટેન્ડ ટુ રહેવા માટે આદેશ અપાયો છે. ઉપરાંત તમામ વહીવટી સ્ટાફની પણ રજાઓ રદ્દ કરવામાં આવી છે. શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવાઇ છે. તમામ લોકોને જરૂરિયા સિવાય ઘરની બહાર નહી નિકળવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. 

નીચાણવાળા વિસ્તારોમાંથી 750 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત વધારે લોકોને પણ ખસેડવાનાં થાય તો પરિસ્થિતીને પહોંચી વળવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી વધારે લોકોને રાહત શિબિરમાં ખસેડવામાં આવે તો અફડા તફડીની પરિસ્થિતી ન સર્જાય.  એનડીઆરએફની ટીમને પણ તમામ શસ્ત્ર સરંજામ સાથે તૈયાર રહેવા સુચન કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદી તાંડવ ચાલી રહ્યો હોવાથી સુરતથી માંડીને તમામ દક્ષિણનાં જિલ્લાઓમાં પરિસ્થિતી વિપરિત છે. સરકાર દ્વારા પણ સતત પરિસ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે.