આગામી 24 કલાકમાં ઉ. ગુજરાત, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદની આગાહીને કારણે રાજ્ય સરકારે એનડીઆરએફની પાંચ ટીમો તૈનાત કરી દીધી છે.
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો એમપીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભારે વરસાદની આગાહી કરી છે. તો તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એનડીઆરએફની પાંચ ટીમ તૈનાત કરી દીધી છે. અણધારી આફતને પહોંચી મળવા માટે વધુ બે એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી છે. જેમાંથી એક ટીમ પાલનપુર રહેશે અને એક ટીમ ગાંધીનગરમાં સ્ટેન્ડ ટુ રખાશે.
ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યના 20 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, આણંદ, તાપી, મહેસાણા, અમદાવાદ, નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બરોડા, જુનાગઢ, પોરબંદર, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓ શામેલ છે. જયારે પંચમહાલ, અમરેલી, ભાવનગર, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતના 223 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 60 ટકા જેટલો વરસાદ થયો છે. તો બંગાળની ખાડીમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાકમાં વરસાદ આવી શકે છે.
ગુજરાત રાજ્યના 223 તાલુકામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. મોસમનો સરેરાશ વરસાદ 57.81 ટકા થયો છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં પણ સતત ત્રણ દિવસથી વરસાદની પધરામણી થઈ રહી છે.