વડોદરાઃ પાદરા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પાદરા તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. પાદરામાં સવારથી બે ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. વરસાદને કારણે રોડ રસ્તાઓ અને ગામડામાં પાણી ભરાયા છે. ત્યારે પાદરાના રણુ ભોજ ગામ વચ્ચેથી ગીતાજંલી સ્કૂલની પસાર થતી એક બસ પાણીના વહેણમાં ફસાઈ ગઈ હતી. બસમાં શાળાના 30 જેટલા બાળકો સવાર હતા તે જ સમયે બસ પાણીમાં ફસાતા બાળકો ગભરાઈ ગયા હતા. સ્કૂલ બસ ફસાવાની જાણ ગામના લોકોને થતા ગ્રામજનો દોડી આવ્યા હતા. ગ્રામજનોઓ ફસાયેલી બસને ટ્રેકટરના મદદથી બહાર કાઢી હતી અને પાણીમાં ફસાયેલા બાળકોનુ રેસ્કયુ કર્યું હતુ. ભોજ ગામના સરપંચ ઈકબાલભાઈએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે તંત્રએ રસ્તા પાસે બે નાળા બનાવવા જોઈએ. નાળા બનાવવા માટે અનેકવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર સાંભળતુ નથી. નાળા ન બનવાના કારણે ડભાસા, મુવેલ, નવાપુરા જેવા ગામોના પાણી રસ્તા પર ધસી આવે છે. મહત્વની વાત છે કે શાળાની બસ ફસાવવાના મામલે તમામ વિધાર્થીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.