અમદાવાદ :હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. સૌથી વધુ જાંબુઘોડામાં 4.28 ઈંચ, મોરવામાં 3.32 ઈંચ અને ગોધરામાં 2.3 ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. જ્યારે કે, અરવલ્લીના મોડાસા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાકરિયા, ગોર-ટીમ્બા સહિતના વિસ્તારોમાં વરસાદથી મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. તો મહીસાગરમાં વરસાદને કારણે ખેતીમાં પાણી ભરાયા છે.  હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જિલ્લામાં ઠેર ઠેર વરસાદી ઝાપટા નોંધાયા છે. પંચમહાલ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ઘોઘંબા, ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા પંથકમાં મેઘરાજાનું ભારે ઝાપટા સાથે આગમન થયું છે. એક તરફ વરસાદી માહોલને લઈ વાતાવરણમાં પ્રસરી ઠંડક છે, તો બીજી તરફ ખેડૂતોને ટેન્શન ચઢ્યું છે. જિલ્લામાં સવારે 8 થી બપોરે 2 કલાક સુધીના કલાક દરમિયાન વરસાદી આંકડા પર નજર કરીએ તો. 


  • કાલોલ - 1.16 ઇંચ

  • ગોધરા - 2.3 ઇંચ

  • ઘોઘંબા - 1.88 ઇંચ

  • જાંબુઘોડા- 4.28 ઇંચ

  • મોરવા - 3.32 ઇંચ

  • શહેરા - 2.36 ઇંચ

  • હાલોલ - 2 ઇંચ



પાછોતરા વરસાદે ખેડૂતોને રડાવ્યા 
હવામાન  વિભાગની આગાહીના પગલે મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ વરસતા ખેતરોમાં રહેલ ઉભા પાકમાં પાણી ભરાયા છે. મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડુતોનો તૈયાર થયેલા પાકમાં પાણી ભરાઈ જવાથી નષ્ટ થવા પામ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહીસાગર જિલ્લાનાં લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, વીરપુર, સહીત બાલાસિનોરમાં ગત સમી સાંજે ભારે પવન અને ગાજ વીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. જેથી ખેડૂતોનાં તૈયાર થયેલા ઉભા પાકમા ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેથી આખો પાક નિષ્ફળ ગયો છે. આ સીઝનમાં ડાંગર, મગફળી તેમજ મકાઈ જેવાં પાક કરવામાં આવ્યો હતો અને તૈયાર થયેલા ઊભા પાકમાં વરસાદના પાણી ભરાઈ જવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે ખેડૂતો આર્થિક ભીંસમાં આવી ગયા છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.