પોરબંદરઃ પોરબંદર સહિત સૌરાષ્ટ્રમા પડેલ ભારે વરસાદ તેમજ ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા પોરબંદરના ઘેડ પંથક વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઘેડ પંથકના ગામોને જોડતા 15 જેટલા રસ્તાઓમાં નદીઓ સમાન પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો જે રસ્તાઓ ચાલુ છે ત્યા પણ જીવના જોખમે વાહચાલકો વાહન ચલાવતા જોવા મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદર જિલ્લામાં પડેલ ભારે વરસાદ તેમજ ભાદર તેમજ ઓઝત અને મીણસાર સહિતની નદીઓના પાણી પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના ગામોમાં ફરી વળતા ગામો બેટમાં ફેરવાયા છે. તો રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા ચીકાસાથી ગરેજ જતો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. તેવી જ રીતે ચિંગરીયાથી મંડેર તેમજ ભડ ચિકાસા રોડ, છત્રાવા નેરાણા રોડ, છત્રાવા જમરા રોડ આવી રીતે ઘેડ પંથક વિસ્તારના કુલ 15 જેટલા રસ્તાઓ બંધ હાલતમાં છે.


આ પણ વાંચોઃ હજારો વિદ્યાર્થીઓની જીત, લોકરક્ષક ભરતી-2018નું વેઇટિંગ લિસ્ટ થયું જાહેર


દર વર્ષે જોવા મળતી આ પરિસ્થિતિ અંગે ગામના સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે,દર વર્ષે આવી જ પરિસ્થિતિનુ નિર્માણ થાય છે જેને કારણે રસ્તાઓ બંધ થઈ જાય છે અને ખેતરોમાં પાણી ભરાય જતા ખેતરોમાં વાવણી પણ થઈ શકતી નથી અને રસ્તાઓ બંધ થતા મેડીકલ ઈમરજન્સી વખતે પણ હાલાકીનો સામનો કરવો પડે છે. આ વર્ષે પણ ચીકાસાના ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં દર વર્ષે સીઝનનો કુલ 25 ઇંચ જેટલો વરસાદ નોંધાતો હોય છે. ત્યારે આ વખતે પ્રથમ બે રાઉન્ડમાં જ સરેરાશ 22 ઈંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે.


સતત પાણીમાં ગરકાવ થયેલા હોવાથી મગફળી અને કપાસ સહિતનો પાક નિષ્ફળ નિવડ્યો છે અને પશુઓને ખવરાવવા માટેનો ચારો પણ નથી. ઉલેખ્ખનીય છે કે ઘેડ પંથકના તમામ ગામોમાં ભાદર અને ઓઝત સહિતના પાણી ફરી વળતા ઘેડ પંથકમાં જ્યા નજર કરો ત્યા બસ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. જે વિસ્તારમાં ઉનાળા દરમિયાન પાણીની અછત સર્જાતી હોય છે તે ઘેડ પંથક હાલમાં પાણીથી તરબોળ થયેલો જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube