રાજકોટમાં મેઘો થયો મહેરબાનઃ સવારથી સાંજ સુધીમાં નોંધાયો 8 ઈંચ વરસાદ
બપોરથી સાંજ સુધી 5 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્તાં શહેર થયું પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં, 400 લોકોનું કરાયું સ્થળાંતર
રાજકોટઃ શુક્રવારે રાજકોટ શહેર પર મેઘો મહેરબાન થયો હતો અને મુશળધાર વરસ્યો હતો. શહેરમાં દિવસ દરમિયાન 8 ઈંચ જેટલો વરસાદ પડી જતાં શહેર પાણી-પાણી થઈ ગયું હતું. તેમાં પણ બપોર પછી શરૂ થયેલા વરસાદે જોર પકડ્યું હતું અને મોડી સાંજ સુધીમાં 5 કલાકમાં 5 ઈંચ વરસાદ પડી જતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઓફિસ છૂટવાના સમયે વરસાદ ચાલુ હોવાના કારણે શહેરમાં અનેક સ્થળે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
રાજકોટ શહેર અને તેની આજુ-બાજુના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ ગઈ હતી. રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા 400 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વરસાદના કારણે એક દીવાલ ધરાશાઈ થઈ હતી અને એક જગ્યાએ વૃક્ષ પડી ગયું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાન-માલને નુકસાન થયાના સમાચાર નથી. ભારે વરસાદના કારણે ભીચરી ગામ નજીક એક કોલેજ બસ ફસાઈ ગઈ હતી. જેને ફાયર અને ઈમરજન્સી વિભાગની ટીમની મદદથી કોઝવે પરથી બહાર કાઢવામાં આવી હતી.
આજી ડેમ-2ના 5 દરવાજા ખોલાયા
વરસાદના પગલે પાણીની વધુ આવક થતાં સિંચાઈ વિભાગ દ્વારા આજી ડેમ-2ના 5 દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે લાલપરી તળાવ, આજી ડેમ અને ન્યારી ડેમ આસપાસ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા વડોદરાને પુરની આફત માટે રૂ.2 કરોડની સહાયની જાહેરાત
આજી નદીમાં યુવક તણાયો
રાજકોટ શહેરની આસપાસના વિસ્તારોમાં પણ પડી રહેલા મુશળધાર વરસાદના પગલે આજી નદીમાં પાણી વહેતું થયું હતું. આજી નદીમાં એક યુવક તણાઈ ગયો હતો. પાણીના પ્રવાહમાં તણાઈ રહેલા યુવકને બચાવવા માટે કેટલાક લોકો દોડ્યા હતા અને તેને બચાવી લીધો હતો.
વડોદરાની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી રૂપાણી, મૃતકોને રૂ.4 લાખની સહાયની જાહેરાત
શાળાઓમાં રજાનો નિર્ણય આચાર્ય કરશે
રાજકોટમાં પડી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી રજા આપવા કે આશ્રિતો માટે શાળાનો ઉપયોગ કરવો તે નક્કી કરવાની જવાબદારી આચાર્ય ઉપર છોડવામાં આવી છે. રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીએ રાજકોટની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યને પરિપત્ર દ્વારા જાણ કરી છે કે, શાળાનો આશ્રય સ્થળ તરીકે ઉપયોગ થાય તો કોઈપણ જાતની ચૂક વગર મદદરૂપ થવું.
રાજકોટના જળાશયોમાં નવા નીરની આવક
આજી-1 ડેમઃ 1 ફૂટ
ભાદર ડેમઃ 1.40 ફૂટ
ન્યારી-1 ડેમઃ 1.16 ફૂટ
લાલપરી તળાવઃ 4 ફૂટ
જૂઓ LIVE TV....