અમદાવાદ :હવામાન વિભાગની રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી વચ્ચે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 10-12 બે કલાકમા સુરતના મરોલીમા 2 ઈંચ વરસાદ અને ગીર સોમનાથના ગીર ગઢડામા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વલસાડના પારડીમાં, વાપીમાં નવસારીના ચીખલીમા 1 ઈંચ, અમરેલીના લાઠી-વાડીયામાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ કપરાડામા 4 ઈંચ, જ્યારે કે વલસાડના પારડીમાં 3.5 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા : પૂરના પાણીમાં પલળી ગયેલી ઘરવખરી જોવા ગયેલા અશોકભાઈ ઊંડા પાણીમાં ડૂબી ગયા...


ગોંડલની વસાવડીમાં ઘોડાપૂર
સૌરાષ્ટ્રમાં હાલ સર્વત્ર મેઘમહેર છે. ગોંડલના અરજણસુખ, સજાડયાળી, માંડલકુંડલા, વિજીવડ સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. ગોંડલ પંથકમાં પડેલ ભારે વરસાદ પગલે વસાવડી નદી ગાંડીતૂર બની છે. કેસવાળાના કોઝવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને પગલે ગોંડલ અમરેલી, બગસરા, દેરડીનો માર્ગ બંધ કરાયો છે.



રાજકોટના ગોંડલ પંથકમાં સવારથી ધોધમાર 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાદર પટાના ગ્રામ્ય નવાગામ, લીલાખા વિસ્તારમાં 4 ઈંચ વરસાદ વરસી પડ્યો છે. શીવરાજગઢ, બંધિયા, કેસવાળા, શ્રીનાથગઢ, દેરડી(કુંભાજી) વસાવડ સહિતના અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. 


ગીર-સોમનાથ 
ઊનામાં ભારે વરસાદને પગલે કાચુ મકાન ધારાશાહી થયું છે. જોકે, કાચા મકાનમાં સૂતેલા બે માણસનો આબાદ બચાવ થયો છે. જેથી કોઈને જાનહાનિ થઈ નથી. ઊના હોટેલ ધનશ્યામ પાછળ આવેલ ખાણ વિસ્તારની ઘટના બની છે.



શાહી નદીમાં ઘોડાપૂર આવ્યું
ગીરગઢડાની શાહી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉના ગીરગઢડામાં અવિરત મેઘમહેર થઈ રહ્યો છે. ઉના શહેરના લુહારચોક, ગની માર્કેટ, 80 ફૂટ રોડ પર પાણી ભરાયા છે. ઉનામાં 5 ઇંચ આસપાસનો વરસાદ વરસી પડ્યો છે. 


સુરતમાં છેલ્લા 5 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી ડુભાલ ખાડી ઓવરફ્લો થઈ હતી. ખાડી ઓવરફ્લો થતા આવાસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, આ સાથે સ્થાનિક દુકાનો પણ બંધ રાખવાની નોબત આવી હતી. પાણી ભરાવવાના કારણે સ્થાનિકોએ મજબૂરીવશ આવાસની ટેરેસ પર રહેવાનો વારો આવ્યો હતો. મનપા અધિકારીની ટીમ સુદ્ધા ત્યાં પહોંચી ન હતી. જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું. એક તરફ મનપા પ્રિ મોન્સૂન કામગીરીના બણગાં ફૂંકી રહી છે, તો બીજી તરફ તેમની કામગીરી છતી થઈ હતી. મહિલાઓ પોતાના ખભા પર બાળકોને બેસાડી સ્કૂલે મૂકવા જતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા .હાલ તો ખાડીના ભરાયેલા પાણી ક્યારે ઉતરે છે તેની સ્થાનિક લોકો રાહ જોઈને બેસી રહ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા પણ આવનારા 5 દિવસમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે તંત્રને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે.


હજી પણ વરસાદની આગાહી
હાલ રાજ્યમાં વરસાદી માહોલ છે. ત્યારે રાજ્યમાં સરેરાશ 49 ટકા વરસાદ વરસી પડ્યો છે. હજી પણ રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હજુ પણ આગામી 24 કલાક વડોદરા વરસાદનું સંકટ છે. હવામાન વિભાગ દ્વારા વડોદરા, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં સોમનાથ, અમરેલી, દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલથી વરસાદની તીવ્રતામાં ઘટી જશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :