તોફાની વરસાદે અડધા કલાકમાં વડોદરાને ધમરોળ્યું, L&T સર્કલ પાસે મહાકાય હોર્ડિંગ્સ તૂટ્યું
- પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી માત્ર દેખાડા પૂરતી હોવાનું પહેલા જ વરસાદમાં જણાયું
- વરસાદના આગમન બાદ ઠેરઠેર પાણી ભરાવાના બનાવ બન્યા
રવિ અગ્રવાલ/વડોદરા :અસહ્ય ઉકળાટ બાદ આજે વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પવન સાથે તૂટી પડેલા વરસાદે અડધા કલાકમાં વડોદરામાં બધુ વેરવિખેર કરી નાંખ્યુ છે. વડોદરામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા છે. તો બીજી તરફ, ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો બન્યા છે. સુસવાટાભર્યા પવન સાથે ખાબકેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લાઈટો ગૂલ થઈ હતી. તો હોર્ડિંગ્સ પણ તૂટી પડ્યા હતા.
એલએન્ડી સર્કલ પાસે હોર્ડિંગ્સ તૂટ્યું
વડોદરામાં ભારે પવન સાથે વરસાદના કારણે વડોદરાની એન્ટ્રી દર્શાવતું હોર્ડિંગ્સ ધરાશાયી થયું હતું. ભારે પવનને કારણે એલએન્ડટી સર્કલ પાસે એન્ટ્રી બોર્ડ તૂટી પડ્યું હતું. બોર્ડ ધરાશાયી થતાં અવરજવર માટેનો રોડ બંધ થયો હતો. તો સાથે જ અનેક વાહનોને નુકશાન થયું હતું. આ ઘટના બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ રોડ પરથી ગેટના સ્ટ્રક્ચર હટાવવાની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરી હતી. અગાઉ જામ્બુવા પાસેનો પણ એન્ટ્રી ગેટ તૂટી રોડ પર પડ્યો હતોય ત્યારે આ વિશે ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગેટ બનાવનાર કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી છે. શહેરના તમામ એન્ટ્રી ગેટ દૂર કરવાની કાર્યવાહી કરાશે.
અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી
વડોદરામાં ભારે પવન સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના કિસ્સા બન્યા છે. કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રોડ બંધ થયો હતો. રોડ પરથી વૃક્ષને હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. તો વડોદરામાં અનેક જગ્યાઓએ વાહન પર વૃક્ષો ધરાશાયી થતા વાહનચાલકોને પણ નુકશાન થયું હતું. હાલ વરસાદ બંધ થતા જ ફાયર બ્રિગેડ પણ અલગ અલગ જગ્યાથી રોડ પરથી વૃક્ષો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે.
વરસાદના આગમન બાદ ઠેરઠેર પાણી ભરાવાના બનાવ બન્યા છે. ત્યારે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી માત્ર દેખાડા પૂરતી હોવાનું પહેલા જ વરસાદમાં જણાયું હતું. શહેરના પૂર્વ વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. સામાન્ય વરસાદમાં સરદાર એસ્ટેટના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. તો મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા રાહદારીઓ અટવાયા હતા.
વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ યુનિવર્સિટીના મુખ્ય દ્વાર બહાર વરસાદી પાણી ભરાયું છે. યુનિવર્સિટીના મુખ્ય દ્વાર બહાર પાણી ભરાતા લોકો અટવાયા છે. તો વાહન ચાલકોને યુનિવર્સિટીમાં પ્રવેશ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. માત્ર અડધો કલાકના વરસાદમાં ઠેરઠેર પાણી ભરાતા આશ્ચર્ય સર્જાયું છે.