નવરાત્રિ, દિવાળી સુધરશે એવી આશાએ બેઠેલા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો, કુદરતે મારી લપડાક
પાટણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાધનપુર તાલુકામાં સીઝનનો પડવા પામ્યો છે. અત્યાર સુધી 138 ટકા વરસાદ નોંધાયો છે. જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ છે. રાધનપુર વિસ્તારમાં અનરાધાર વરસાદ જાણે આકાશી આફત બની હોય તેવા દ્રષ્યો સામે આવી રહ્યા છે..
પ્રેમલ ત્રિવેદી/પાટણ: ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસેલા વરસાદને કારણે ચારેબાજુ તારાજીના દ્રષ્યો સામે આવે છે ત્યારે પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ ધોધમાર બેટીંગ કરી છે અને જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં સો ટકાથી વધુ વરસાદ અત્યાર સુધી ખાબક્યો છે. પંથકમાં ખેતરો જાણે તળાવ હોય તેવા દ્રષ્યો સર્જાયા છે, ત્યારે સતત વરસી રહેલા મેઘરાજાથી ખેતરો બેટમાં ફેરવાયા છે અને પાક નિષ્ફળ જવાની તેમજ લીલા દુષ્કાળની ખેડૂતો ચિંતા સેવી રહ્યા છે.
રાધનપુર તાલુકો મુખ્યત્વે ચોમાસુ આધારિત ખેતી કરતો વિસ્તાર છે. ત્યારે ચાલુ વર્ષે વરસાદ સારો થશે અને ખેત ઉત્પાદન સારું થશે તેવી ખેડૂતોને આશા હતી, ત્યારે પ્રથમ તબક્કા રાધનપુર વિસ્તારમાં મેઘરાજા છુટા છવાયા વરસાદી ઝાપટા નાખ્યા. જેથી ખેડૂતોને આશા બંધાઈ કે આ વર્ષે ચોમાસુ સિઝનમાં જરૂરિયાત મુજબ વરસાદ આવશે અને ખેત ઉત્પાદન સારું થશે. જેથી ખેડૂતો દ્વારા મોંઘી ખેડ ,બિયારણ, સહિતના ખર્ચ કરી એરંડા, કપાસ, કઠોળ સહિત 27000 હજાર હેકટર વિસ્તારમાં વિવિધ પાકોની વાવણી કરી દીધી. પરંતુ જુલાઈ અને ઓગસ્ટમાં મેઘરાજા અનરાધાર વરસ્યા અને સતત અવિરત મેઘમંડાણ સર્જાઈ. જેથી ખેડૂતો વાવેલ પાક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો અને ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube